Russia-Ukraine Crisis: હાલ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનના લાખો નાગરીકો બેઘર બન્યા છે. યુક્રેનના લોકોએ પોતાનો દેશ છોડીને પાડોશી દેશોમાં અને બીજા દેશોમાં ગયા છે. યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે યુક્રેનના નાગરિકોને મદદ કરવા માટે ઘણા દેશો આગળ આવી રહ્યા છે. 


UK આપશે 'થેંક યુ પેમેન્ટ':


યુક્રેનના નાગરિકોને મદદ કરવા માટે યુનાઈટેડ કિંગડમ (UK)ની સરકારે એક જાહેરાત કરી છે. આ જાહેરાતમાં યુકેની સરકારે કહ્યું છે કે, યુક્રેનથી આવેલા રેફ્યુજી (શરણાર્થીઓ)ને ઘર અને આશરો આપનાર લોકોને દર મહિને ખાસ 'થેંક યુ પેમેન્ટ' આપવામાં આવશે. આ પેમેન્ટમાં કુલ 350 પાઉન્ડની રોકડ આપવામાં આવશે. 350 પાઉન્ડ એટલે ભારતના 35000 રુપિયા. યુકેની સરકાર આ રકમ "માનવતાવાદી યોજના" હેઠળ આપવામાં આવશે. આ યોજના આ અઠવાડીયાથી લાગુ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ આ યોજના મુજબ યુક્રેનથી આવેલા લોકોને રાખવા માટે યુકેના નાગરીકો, ચેરેટી સંસ્થાઓ, લોકસમુહો વ્યવસ્થા કરી શકે છે. 


શું છે નિયમઃ


યુક્રેનના નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા કરવા માંગતા યુકેના લોકો કે સંસ્થાઓ નોંધણી કરાવીને પોતાનું ઘર કે પોતાની સાથે ઘરમાં યુક્રેનના નાગરિકોને રાખી શકે છે. જે લોકો આ વ્યવસ્થા કરવા ઈચ્છે છે અને આ માનવતાવાદી યોજનાનો લાભ લેવા માંગે છે તેમણે ઓછામાં ઓછા 6 મહિના (અને વધુમાં વધુ સંસ્થા કે વ્યક્તિની મરજી સુધી) યુક્રેનના નાગરિકોને રાખવા પડશે. આ રીતે યુક્રેનના નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા કરનાર લોકો કે સંસ્થાને દર મહિને 350 પાઉન્ડ યુકેની સરકાર આપશે.


રશિયાનો મોટો હુમલોઃ


લવીવઃ નાટોના સભ્ય દેશ પોલેન્ડની બોર્ડર પાસે યુક્રેનના લવીવ શહેરના મીલીટ્રી બેઝ પર આજે રશિયાએ હુમલો કર્યો હતો. આ એક મિસાઈલ હુમલો હતો જેમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 134 લોકો ઘાયલ થયા છે. રશિયાએ જે જગ્યાએ મિસાઈલ હુમલો કર્યો તે યુક્રેનનો મોટો મીલીટ્રી બેઝ છે અને ત્યાંથી યુક્રેનની સેનાને તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવે છે. 


સમાચાર એજન્સી રોઈટરના અહેવાલ પ્રમાણે યુક્રેનના સ્થાનિક ગવર્નર માક્સ્યમ કોઝતસ્કીએ જણાવ્યું હતું કે રશિયાના વિમાનોએ અંદાજે 30 રોકેટ ફાયર કર્યા હતા જે યોવોરીવ ઈન્ટરનેશનલ સેન્ટર પોર પીસકિપીંગ એન્ડ સિક્યુરીટી તરફ ફાયર કરવામાં આવ્યા હતા. ગવર્નરે વધુમાં જણાવ્યું કે, આ 30 રોકેટમાંથી કેટલાક રોકેટ જમીન પર પહોંચે તે પહેલાં જ તોડી વાડવામાં આવ્યા હતા.