Helene Hurricane : વાવાઝોડાએ અમેરિકાના ફ્લોરિડામાં તબાહી મચાવી હતી. Helene વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડાના પગલે દરિયાના મોજા ઉંચા ઉછળી રહ્યા છે. આસપાસના લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડું ટકરાય તે અગાઉ સન્સાઇન સ્કાઇવે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.






ફ્લોરિડા હાઇવે પેટ્રોલના જણાવ્યા અનુસાર, પવન 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે પુલને સુરક્ષિત રાખવો અશક્ય બન્યો હતો. જ્યારે પવન 45 માઈલ પ્રતિ કલાકથી વધી જાય ત્યારે આ પુલ સામાન્ય રીતે બંધ થઈ જાય છે.






વૃદ્ધો અને બાળકો માટે આ સ્થિતિમાં જીવવું અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં પાણી દરિયાની દીવાલો ઓળંગી રહ્યા છે. લોકોને સલામત સ્થળે જવાની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડાની અસર ફોર્ટ માયર્સ નજીકના એક ભયાનક વીડિયોમાં જોવા મળી રહી છે જ્યાં પાણીનું સ્તર ત્રણથી પાંચ ફૂટ વધવાની ધારણા છે.






નેશનલ હરિકેન સેન્ટરે સત્તાવાર રીતે તોફાન હેલેનને કેટેગરી 4નું તોફાન  જાહેર કર્યું છે, જેમાં મહત્તમ સતત પવન 140 માઇલ પ્રતિ કલાક સુધી પહોંચે છે. આ વાવાઝોડાએ ઉત્તરપશ્ચિમ ફ્લોરિડામાં ટકરાયું હતું જેના કારણે પૂરની સ્થિતિ પેદા થઇ છે.






વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. લગભગ 900,000 ઘરો અને દુકાનો અંધારામાં છે. ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસેન્ટિસે કહ્યું, "જ્યારે ફ્લોરિડાના લોકો સવારે ઉઠશે ત્યારે આપણે એવી પરિસ્થિતિનો સામનો કરીશું કે જ્યાં જાનહાનિ થવાની સંભાવના ઘણી વધારે છે." શહેરના રસ્તાઓ પર દરિયાના પાણી આવી ગયા છે. અલાબામા, જ્યોર્જિયા, કેરોલિનાસ અને વર્જિનિયાના ગવર્નરોએ ઇમરજન્સી જાહેર કરી છે. આ વાવાઝોડાએ ઘણા શહેરોને લપેટમાં લીધા છે અને લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળો તરફ ભાગી રહ્યા છે.


ઘણા લોકો સુરક્ષિત સ્થાનો પર જવા માટેના આદેશોનું પાલન કરી રહ્યા છે પરંતુ કેટલાક એવા છે કે જેઓ તેમની મિલકતને સુરક્ષિત રાખવા માટે જોખમી પરિસ્થિતિઓમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. એક માછીમારે કહ્યું, "જો હું મારી બોટ ગુમાવીશ, તો મારી પાસે કંઈ બચશે નહીં."


આ ભયંકર વાવાઝોડાને કારણે ફ્લોરિડા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ, પવન અને પૂરની સંભાવના છે, જેના કારણે લોકોના જીવન અને સંપત્તિ બંને જોખમમાં છે.