Iran Israel: મધ્ય-પૂર્વમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ હિઝબુલ્લાએ આજે ​​ઈઝરાયેલ પર મોટા પાયે હુમલો કર્યો છે. ઈરાને હાનિયાની હત્યા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. જે બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધની આશંકા વધી ગઈ છે.


આ હુમલામાં લેબનોનના હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર રૉકેટ છોડ્યા હતા. હિઝબુલ્લાએ આ હુમલાને પેલેસ્ટિનિયન લોકોના સમર્થન, હમાસના નેતાની હત્યા અને ઈઝરાયેલના હુમલામાં 17 વર્ષના બાળકના મોતનો બદલો ગણાવ્યો છે.


આયરન ડૉમે ફરી કર્યો કમાલ 
હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલાની ઈઝરાયેલ પર બહુ અસર થઈ નથી. ઈઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલી આયર્ન ડૉમે લગભગ તમામ રૉકેટને હવામાં તોડી નાખ્યા. આયર્ન ડૉમે ગેલિલી પેનહેન્ડલ (ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેનો વિસ્તાર) ઉપર હવામાં અનેક રૉકેટ ઉડાવી દીધા હતા.


અમેરિકાએ આપ્યો મદદનો ભરોસો 
અમેરિકા પણ ઈઝરાયલની મદદ માટે આવ્યું છે. અમેરિકાએ આ વિસ્તારમાં યુદ્ધ જહાજો અને ફાઈટર પ્લેન મોકલ્યા છે. અમેરિકા આ ​​વિસ્તારમાં એરક્રાફ્ટ કેરિયર પણ તૈનાત કરશે, જેથી ઈરાન અને તેના સહયોગી દેશોના સંભવિત હુમલાઓથી ઈઝરાયેલને સુરક્ષિત કરી શકાય. દરમિયાન પશ્ચિમી સરકારોએ તેમના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે લેબનોન છોડવા સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે તેહરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયેલે શનિવારે ફરી હિઝબુલ્લાહ પર હુમલો કર્યો.


નાગરિકો માટે એડવાઇઝરી જાહેર 
આ હુમલામાં ઘણા લોકોના મોત થયા હતા. દરમિયાન મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, પોલેન્ડ અને અન્ય દેશોએ ઈઝરાયેલ અને મધ્ય પૂર્વમાં રહેતા તેમના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.