કોલંબો: શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે 8 સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં જનતા દળ (સેક્યુલર) એટલે કે જેડીએસના બે નેતાઓના પણ મોત થયા છે. તેની પુષ્ટિ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ કરી છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પહેલાં જ તેમના મોતની આશંકા વ્યકત કરી હતી. કહેવાય છે કે જેડીએસના 7 નેતા 20મી એપ્રિલના રોજ શ્રીલંકાની મુલાકાતે ગયા હતા પરંતુ બ્લાસ્ટ બાદ તેમનો સંપર્ક થઈ શક્યો નહતો.


આ જેડીએસ નેતાઓના નામ એમ.રંગપ્પા અને કેજી હનુમંથરૈયપ્પા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ભારતીયોના જે નામોની યોદી ટ્વીટ કરી હતી તેમાં તેમનું નામ પણ સામેલ છે. શ્રીલંકાના કોલંબોમાં રવિવારે થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 290 લોકોનાં મોત થયા છે અને અંદાજે 500 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં પાંચ ભારતીય પણ સામેલ છે.


કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ તેના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે તેના પર કહ્યું હતું કે, એ જાણીને મને આઘાત લાગ્યો છે કે કર્ણાટકથી શ્રીલંકાની મુલાકાત પર ગયેલા જેડીએસ નેતાઓની સાત સભ્યવાળી ટીમ ધડાકા બાદ જ ગુમ છે. તેમાંથી બેના મોતની આશંકા વ્યક્ત કરાઈ છે.