2019ના અંતમાં ચીનમાંથી ફેલાવાનું શરુ થયેલી કોરોના મહામારીએ લોકોની જીંદગી બદલી છે અને ઘણા લોકોની જીંદગીનો ભોગ પણ લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો અંદાજ છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોએ કોરોના વાયરસ અને આરોગ્ય તંત્ર ઉપર થયેલી ગંભીર અસરને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. મોટાભાગના મૃત્યુ દક્ષિણપૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં થયા છે. ગુરુવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે આ આંકડાને વિચાર કરે તેવા કહ્યા હતા. તેમણે કહ્યું કે, આ આંકડાઓ વિશે વિચારીને દેશોને ભવિષ્યની મહામારી અને કટોકટીની અસરોને ઘટાડવા માટે સ્વાસ્થ્ય ક્ષમતાઓમાં વધુ રોકાણ કરવા માટે વિચારવું જોઈએ. આ આંકડાઓ વિવિધ દેશોમાંથી નોંધાયેલા ડેટા અને આંકડાકીય મોડેલિંગ પર આધારિત છે.


ચીનમાં ઓમિક્રોનનો ખતરો યથાવતઃ
દરમિયાન, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને ફેલાતો રોકવા માટે ચીનની રાજધાની બેઇજિંગમાં ઘણા કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. બેઇજિંગ વહીવટીતંત્રે બુધવારે શાળાઓને વધુ એક અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ઘણા મેટ્રો સ્ટેશન, રેસ્ટોરન્ટ અને વ્યવસાયોને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. લગભગ 2.1 કરોડની વસ્તી ધરાવતા આ શહેરમાં દરરોજ લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.


બુધવારે બેઇજિંગમાં 40 સબવે સ્ટેશન (કુલ સબવેના 10 ટકા) અને 158 બસ રૂટ બંધ રહ્યા હતા. મોટાભાગની સ્થગિત સેવાઓ અને પ્રતિબંધથી પ્રભાવિત સ્ટેશનો ચાઓયાંગ જિલ્લામાં છે. ચીનના સત્તાવાર મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, બેઇજિંગમાં તમામ કિન્ડરગાર્ટન્સ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અને માધ્યમિક વ્યાવસાયિક શાળાઓએ 11 મે સુધી બીજા અઠવાડિયા માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.


શાંઘાઈ શહેર એક મહિનાથી બંધઃ
નોંધપાત્ર રીતે, કોવિડ -19 ના અત્યંત ચેપી વેરિયન્ટના ફેલાવાના કારણે, ચીનની વાણિજ્યિક રાજધાની શાંઘાઈ એક મહિના કરતાં વધુ સમયથી અટકી ગઈ હતી. શાંઘાઈ એક મહિનાથી વધુ સમયથી લોકડાઉનમાં છે. સતત 13મા દિવસે કોવિડ સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.