પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ આજે નવા પ્રધાનમંત્રી ચૂંટવાની પ્રક્રિયા નેશનલ એસેમ્બલીમાં શરુ થઈ હતી. પાકિસ્તાન સંસદમાં નવા પીએમ ચૂંટવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તેની પહેલાં ઈમરાન ખાને એમના સાથી સાંસદોએ સંસદમાંતી વોકઆઉટ કરી દીધું હતું. એટલે કે ઈમરાન ખાન નવા પીએમને ચૂંટવાની પ્રક્રિયામાં ભાગ નહી લે.


ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કારઃ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહેલા ઈમરાન ખાન સંસદ તો પહોંચ્યા પણ તેની થોડી વાર પછી તેઓ સંસદમાંથી નિકળી ગયા હતા. ત્યાર બાદ તેમના સમર્થક સાંસદો પણ સંસદમાંથી બહાર આવી ગયા હતા. બહાર આવીને તેમણે જણાવ્યું કે તેઓ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરી રહ્યા છે. તે બાદ હવે તમામ વિપક્ષી સાંસદો નવા પીએમને ચૂંટવા માટે સંસદમાં હાજર હતા. હાલ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ઘણા સાંસદો પોતાના રાજીનામાં આપી ચુક્યા છે. બાકી રહેલા સાંસદો પણ પોતાનું રાજીનામું આપી રહ્યા છે. આ માહિતી ખુદ ઈમરાન ખાને આપી હતી. 


શહબાજ શરીબ બનશે નવા પ્રધાનમંત્રીઃ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સંસદમાં નવા પ્રધાનમંત્રીની પસંદગી માટે મતદાન થશે. વિપક્ષના સાંસદોએ સંયુક્ત રીતે જાહેરાત કરી હતી કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શહબાજ શરીફ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. જે બાદ હવે શહબાજ શરીફને પ્રધાનમંત્રી બનાવવા માટે વોટિંગ કરવામાં આવશે. વિપક્ષના સાંસદા પાસે હાલ બહુમત છે એટલે શહબાજ શરીફનું પ્રધાનમંત્રી બનવાનું નક્કી મનાઈ રહ્યું છે. પીએમ બનવા પહેલાં શરીફે કહ્યું હતું કે અમે બદલાની રાજનીતિ નહી કરીએ અને કોઈની સામે કારણ વગરની કાર્યવાહી નહી કરવામાં આવે.


આ પહેલાં ઈમરાન ખાને દેશના નામે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે પોતાના બધા સમર્થકોને અપિલ કરી હતી કે ગઈકાલે (10 એપ્રિલે) રસ્તા પર આવીને પ્રદર્શન કરવું. આ દરમિયાન વિપક્ષી નેતાઓ પર ગંભીર આક્ષેપ લગાવતાં તેમણે કહ્યું હતું કે, અમેરિકા સાથે મળીને તેમની સરકાર ઉથલાવી દેવામાં આવી રહી છે. ઈમરાનની આ અપિલ બાદ તેમના હજારો સમર્થકોએ રસ્તા પર ઉતરીને ગઈકાલે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.