દુનિયાની પરવા કર્યા વગર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના કબજામાં રહેલા ચાર પ્રદેશોને પોતાના દેશમાં સામેલ કર્યા છે. પુતિને આ નિર્ણય લઇને તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કર્યો હતો. રશિયાના આ પગલાથી અમેરિકા, બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશો ભડક્યા છે.






પુતિનના નિર્ણય સામે વાંધો ઉઠાવતા અમેરિકા અને અલ્બેનિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા. આ પ્રસ્તાવને 10 દેશોનું સમર્થન મળ્યું હતું, પરંતુ ભારત, ચીન, બ્રાઝિલ અને ગેબોને આ પ્રસ્તાવથી અંતર રાખીને મતદાન કર્યું ન હતું. જોકે, અંતે રશિયાએ પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.


પશ્ચિમી દેશો રશિયાથી કેમ નારાજ છે?


યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હજી પુર્ણ થયું નથી. રશિયાએ આ સમયગાળા દરમિયાન આવું પગલું ભર્યું છે, જેનાથી અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશો નારાજ છે. વાસ્તવમાં આટલા લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધ બાદ રશિયાએ યુક્રેનના 4 વિસ્તારો ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસોન પર કબજો જમાવ્યો હતો. આ પછી તાજેતરમાં રશિયાએ તેમને તેના દેશમાં મર્જ કરી દીધા છે. રશિયાએ પશ્ચિમી દેશોને પણ ધમકી આપી છે કે જો તે હવે આ વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો રશિયા પુરી તાકાતથી જવાબ આપશે.


રશિયાએ યુક્રેનિયન પ્રદેશોમાં લોકમત યોજ્યો હતો


ઉલ્લેખનીય છે કે 23 થી 27 સપ્ટેમ્બર સુધી રશિયાએ ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસોનમાં જનમત સંગ્રહ કર્યો હતો. આ પછી દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાર ક્ષેત્રોના મોટાભાગના લોકોએ રશિયા સાથે આવવાના પક્ષમાં મતદાન કર્યું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, એવો દાવો કરવામાં આવ્યો છે કે ડોનેટ્સકમાં 99.2%, લુહાન્સ્કમાં 98.4%, ઝાપોરિઝિયામાં 93.1% અને ખેરસોનમાં 87% લોકોએ રશિયા સાથે જવાની તરફેણમાં મતદાન કર્યું છે.


ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2014માં રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. આ સંઘર્ષ યુક્રેનમાં રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનને કારણે થયો હતો. યાનુકોવિચ રશિયન સમર્થિત નેતા હતા. 22 ફેબ્રુઆરી 2014 ના રોજ યાનુકોવિચ દેશ છોડીને ભાગી ગયા હતા. 27 ફેબ્રુઆરીએ રશિયન સેનાએ ક્રિમીયા પર કબજો કર્યો. માર્ચ 2014 માં ક્રિમીયામાં લોકમત યોજ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે 97 ટકા લોકોએ રશિયામાં જોડાવાની તરફેણમાં મતદાન કર્યું હતું. 18 માર્ચ 2014 ના રોજ, ક્રિમીયા સત્તાવાર રીતે રશિયાનો ભાગ બન્યું હતું.


યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ શુક્રવારે રશિયાને "આતંકવાદી દેશ" અને "લોહી તરસ્યો" ગણાવ્યો હતો. દક્ષિણ ઝાપોરિજ્જિયામાં રશિયન ગોળીબાર પછી ઝેલેન્સકીએ કહ્યું, "ફક્ત સંપૂર્ણ આતંકવાદીઓ જ આ કરી શકે છે. લોહીના તરસ્યા! દરેક યુક્રેનિયન જીવન માટે તમે ચોક્કસ જવાબ આપશો." આ સાથે યુક્રેને નાટો દેશોની યાદીમાં સામેલ થવાના પ્રયાસો તેજ કર્યા છે.