Social Hostilities Index: અમેરિકાએ ફરી એકવાર અલ્પસંખ્યકો સાથે ભેદભાવના બહાને ભારત પર નિશાન તાક્યું છે. કોરોના કાળ દરમિયાન ભારતમાં ધાર્મિક આધારે અલ્પસંખ્યકોને સૌથી વધુ નિશાને લેવાયા હોવાનો આરોપ અમેરિકાના એક રિપોર્ટમાં લગાવવામાં આવ્યો છે. ભારતની સરખામણી નાઈઝીરિયા અને અફઘાનિસ્તાન સાથે કરવામાં આવી છે.

  


અમેરિકાની થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન ભારતમાં ધાર્મિક આધાર પર લઘુમતીઓને સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્યુ રિસર્ચ સેન્ટરના આ અભ્યાસમાં ભારતને સૌથી ખરાબ પ્રદર્શન કરનારા દેશોની યાદીમાં પહેલુ સ્થાન રાખવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં ભારત વિશ્વના એ દેશોમાં ટોચ પર હતું જ્યાં રોગચાળાની આડમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. 


અમેરિકન થિંક ટેંકના આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, આ માટે સોશિયલ મીડિયા પર ઘણા અભિયાનો પણ ચલાવવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન વિવિધ પ્રકારના હેશટેગ ચલાવીને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં #CoronaJihad જેવા હેશટેગનો સમાવેશ થાય છે.


નાઈજીરીયા-પાકિસ્તાન કરતા પણ ભારત પાછળ 


આ અભ્યાસમાં કુલ 198 દેશોને સામેલ કરવામાં આવ્યા છે જેમાં સૌથી ખરાબ પ્રદર્શન ભારતને આપવામાં આવ્યું હતું. અભ્યાસમાં આવા 11 દેશોને અલગ કરવામાં આવ્યા છે જેમણે સોશિયલ હોસ્ટિલિટી ઈન્ડેક્સ (SHI)માં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. જેમાં ભારતને નાઈજીરિયા, અફઘાનિસ્તાન, ઈઝરાયેલ, માલી, સોમાલિયા અને પાકિસ્તાન કરતા પણ પાછળ બતાવવામાં આવ્યું છે. આ યાદીમાં ઈજીપ્ત, લીબિયા અને સીરિયા જેવા દેશો પણ સામેલ કરાયા હતાં. યાદીમાં પહેલા ક્રમે આવવાનો અર્થ એ છે કે સૌથી ખરાબ પ્રદર્શન.


કોરોના દરમિયાન લઘુમતીઓ પર હુમલા


અમેરિકન થિંક ટેંકના આ રિપોર્ટમાં એવા દેશોને પણ અલગ કરવામાં આવ્યા છે જ્યાં કોરોના મહામારી દરમિયાન લઘુમતીઓ પર કોઈપણ વ્યક્તિ અથવા સંગઠન દ્વારા હુમકા કરવામાં આવ્યા હોય. આ યાદીમાં ભારતને પણ સામેલ કરવામાં આવ્યું છે. લઘુમતીઓ પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવીને હિંસામાં સામેલ દેશોમાં ભારત, આર્જેન્ટિના, ઈટાલી અને અમેરિકાના નામ પણ છે. જ્યાં લોકોને ધાર્મિક આધાર પર નિશાન બનાવવામાં આવ્યા અને તેમની સાથે હિંસા થઈ. ભારત સહિત આ દેશોમાંથી આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે લઘુમતીઓ પર કોરોના ફેલાવવાના આરોપમાં હુમલો કરવામાં આવ્યો હતો.


આ અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઘણા દેશોમાં લઘુમતીઓએ કોર્ટ સમક્ષ એ મુદ્દો પણ ઉઠાવ્યો છે કે તેમના ધાર્મિક સ્થળો પર વધુ કડકાઈ વર્તવામાં આવી હતી. તેઓએ દલીલ કરી હતી કે બિનસાંપ્રદાયિક ધાર્મિક સ્થળોએ તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. 198 દેશોમાંથી 46 દેશોમાં આવી ઘટનાઓ જોવા મળી હતી. જ્યારે એવા 97 દેશો પણ હતા જ્યાં તમામ ધાર્મિક નેતાઓ અને સંગઠનો આગળ આવ્યા અને કોરોના સામે લડવાની અપીલ કરી અને પોતે પણ પ્રતિબંધોનું સમર્થન કર્યું.