સિડનીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. આ પહેલા પીએમ મોદીને એડમિરલ્ટી હાઉસ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન તેમણે એડમિરલ્ટી હાઉસ ખાતે વિઝિટર બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ અને ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા સાથે પણ બેઠક કરી હતી. દ્વિપક્ષીય બેઠક પછી પીએમ મોદીએ અલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે ખનન અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રોમાં અમારા વ્યૂહાત્મક સહયોગને મજબૂત કરવા પર રચનાત્મક ચર્ચા કરી. સાથે જ અમે ગ્રીન હાઇડ્રોજન પર ટાસ્ક ફોર્સની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો પીએમ એન્થની અલ્બેનીઝ સામે ઉઠાવ્યો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે.પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ તત્વો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડા પ્રધાન અલ્બેનીઝનો આભાર માનું છું. પીએમ મોદીએ કહ્યું કે તેમણે મને ફરી એકવાર ખાતરી આપી છે કે તેઓ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોનો પરિપ્રેક્ષ્ય માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નથી. તે પ્રાદેશિક સ્થિરતા, શાંતિ અને વિશ્વ કલ્યાણ સાથે પણ સંકળાયેલો છે. થોડા દિવસો પહેલા હિરોશિમામાં ક્વાડ સમિટ દરમિયાન અમે ઈન્ડો-પેસિફિક પર પણ ચર્ચા કરી હતી. ગ્લોબલ સાઉથની પ્રગતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો સહયોગ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પીએમ મોદીએ આ વર્ષે ભારતમાં યોજાનાર ક્રિકેટ વર્લ્ડકપ માટે અલ્બેનીઝ અને તમામ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકોને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે તે સમયે તમે ભારતમાં દિવાળીની ભવ્ય ઉજવણી પણ જોશો. મોદીએ કહ્યું કે મંદિરો પર હુમલો સ્વીકાર્ય નથી. એન્થની અલ્બનીઝે આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહીની ખાતરી આપી હતી.