India-Israel Bilateral Relation: ઇઝરાયેલના વિદેશ પ્રધાન એલી કોહેન મંગળવારે (9 મે) ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન, તેમણે વેપાર, પ્રાદેશિક સંપર્ક અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સંબંધોને વધારવા માટે કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. હવે ઇઝરાયેલમાં લગભગ 42,000 ભારતીય કામદારો બાંધકામ અને નર્સિંગ ક્ષેત્રમાં કામ કરી શકશે.


કોહેને વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.






વિદેશ મંત્રી પ્રવાસ અધવચ્ચે છોડીને ઈઝરાયેલ પરત ફર્યા


ઇઝરાયેલના વિદેશ પ્રધાન મંગળવારે સવારે ત્રણ દિવસની મુલાકાતે અહીં પહોંચ્યા હતા પરંતુ ગાઝા પટ્ટીમાં આતંકવાદી જૂથના ઠેકાણાઓ પર ઇઝરાયેલની આર્મીએ કરેલી કાર્યવાહી બાદ તેમણે ભારતનો પ્રવાસ અધવચ્ચે છોડવો પડ્યો હતો.






કયા કરારો પર હસ્તાક્ષર થયા?


ઇઝરાયેલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, બંને પક્ષોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે કે તેઓ ઇઝરાયેલમાં લગભગ 42,000 ભારતીય કામદારોને બાંધકામ અને નર્સિંગ ક્ષેત્રોમાં કામ કરવાની મંજૂરી આપશે. ભારત-ઈઝરાયેલ બિઝનેસ ફોરમના એક કાર્યક્રમને સંબોધતા કોહેને કહ્યું હતું કે ભારત, ઈઝરાયેલ અને આરબ દેશો પ્રાદેશિક જોડાણને વેગ આપી શકે છે અને ગલ્ફ ક્ષેત્રમાં રેલવે નેટવર્ક ભવિષ્યમાં ભારતીય માલસામાનને ઈઝરાયેલના હાઈફા બંદર સુધી પહોંચાડવામાં મદદ કરશે.


કોહેને અહીં પહોંચ્યાના થોડા કલાકો બાદ ભારત-ઈઝરાયેલ બિઝનેસ ફોરમને સંબોધિત કરતાં બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાનો આગ્રહ કર્યો હતો. પ્રદેશમાં કનેક્ટિવિટી પર તેમનું નિવેદન ભારત, યુએસ અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યાના બે દિવસ બાદ આવ્યું હતું.


જાન્યુઆરીમાં ઈઝરાયેલે વ્યૂહાત્મક હાઈફા બંદર અદાણી જૂથને સોંપ્યું હતું. કન્ટેનર ટ્રાફિકની દ્રષ્ટિએ તે ઇઝરાયેલનું બીજું સૌથી મોટું બંદર છે અને પર્યટન ક્રુઝ જહાજોની શિપિંગની દ્રષ્ટિએ સૌથી મોટું બંદર છે. કોહેને કહ્યું અમે ઇઝરાયલ, ગલ્ફ આરબ દેશો અને ભારત ઇસ્ટથી વેસ્ટના દરવાજા ખોલવા ઇચ્છીએ છીએ.