Israel Hamas War: સંયુક્ત રાષ્ટ્રની ટોચની આંતરરાષ્ટ્રીય અદાલતે ઇઝરાયલને ગાઝામાં નરસંહાર બંધ કરવા અને આવી ગતિવિધિઓને ઉશ્કેરનારાઓને સજા કરવા જણાવ્યું છે. રોયટર્સે આ માહિતી આપી હતી. જો કે, એપીના અહેવાલ મુજબ, યુએનની ટોચની અદાલતે ગાઝામાં યુદ્ધવિરામનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ ઇઝરાયેલને જાન-માલના નુકસાનને રોકવા માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું.
યુએનની ટોચની અદાલત કહે છે કે, તે ગાઝામાં ઇઝરાયેલ પર નરસંહારનો આરોપ મૂકતા કેસને રદ કરશે નહીં. ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના યુદ્ધમાં 26,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. આ સંઘર્ષ ઓક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલાના જવાબમાં શરૂ થયો હતો, જેમાં મહિલાઓ અને બાળકો પણ મૃત્યુ પામ્યા હતા.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે આજે કહ્યું હતું કે ઈઝરાયેલે તેના સૈનિકોને પેલેસ્ટાઈનીઓ વિરુદ્ધ નરસંહાર કરતા રોકવા માટે પગલાં લેવા જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે તે ઇઝરાયલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાના નરસંહારના કેસને બરતરફ નહીં કરે. તે જ સમયે, ઇઝરાયેલે દક્ષિણ આફ્રિકાના આરોપોને ખોટા અને અત્યંત વિકૃત ગણાવ્યા અને કહ્યું કે તે નાગરિકોના નુકસાનને ટાળવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે.
કોર્ટના પ્રમુખ જ્હોન ઇ. ડોનોગ્યુએ જણાવ્યું હતું કે, કોર્ટ આ પ્રદેશમાં માનવતાવાદી દુર્ઘટનાની હદથી વાકેફ છે અને સતત જાનહાનિ અને માનવીય વેદના અંગે ચિંતિત છે. વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાએ કોર્ટને ઇઝરાયેલને ગાઝામાં અને તેની વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીને તાત્કાલિક સ્થગિત કરવા માટે કહ્યું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય કોર્ટે દક્ષિણ આફ્રિકાની આ અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે ચુકાદો આપ્યો કે ઇઝરાયેલે મૃત્યુ અને નુકસાનને મર્યાદિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.