લંડનઃ યુનિવર્સિટી કોલેજ ઑફ લંડનના સંશોધકોએ જાપાની વિજ્ઞાાનીઓ સાથે 178 ટેરા બાઈટ પ્રતિ સેકન્ડ (ટીબીપીએસ) એટલે કે 178,000 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ (જીબીપીએસ)ની ઝડપે ચાલતું ઈન્ટરનેટ બનાવીને રેકોર્ડ સર્જ્યો છે. હાલમાં વિશ્વમાં ડાઉનલૉડ ઈન્ટરનેટની સરેરાશ ઝડપ 103 એમબીપીએસની છે ત્યારે તેના કરતાં હજારો ગણી વધારે સ્પીડ સાથે ઈન્ટરનેટ ચલાવીને વિજ્ઞાનીઓએ કમાલ કરી છે.


યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના વિજ્ઞાનીઓએ જે સ્પીડ હાસંલ કરી તે સ્પીડે તો એક જ સેકન્ડમાં નેટફ્લિક્સની તમામ ફિલ્મો-સિરિઝ-સિરિયલો ડાઉનલૉડ કરી શકાય.

ઈન્ટરનેટની ઝડપ મેગાબાઈટ પ્રતિ સેકન્ડ (એમબીપીએસ)માં મપાય છે. આ 178 ટેરાબાઈટની ઝડપને એમબીપીએસમાં ફેરવીએ તો 17.80 કરોડ એમબીપીએસ જેટલી ઝડપ થાય.

આ નવી ટેકનોલોજી વ્યાપક ધોરણે વપરાતી થાય તો ઈન્ટરનેટનો ખર્ચ સાવ ઘટી જશે. સંશોધકોએ આ અસાધારણ ઝડપ હાંસલ કરવા માટે અત્યારે વપરાતા ફાઈબર ઓપ્ટિકને બદલે હાયર રેન્જની વેવલેન્થનો ઉપયોગ કર્યો હતો. એમ્લિફાયરની નવી ટેકનોલોજી પણ તેમણે વાપરી હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે, અત્યારે આ ઝડપ અતિ ખર્ચાળ છે તેથી પ્રયોગ કરવા સિવાય આટલી ઝડપ મેળવી શકાય એમ નથી. કોરોના કાળમાં આખા જગતને સમજાયુ કે ભવિષ્યમાં ઝડપી ઈન્ટરનેટની જરૂર પડશે. આ દિશામાં આ પહેલું પગલું છે.