Israel-Hezbollah Conflict: મધ્ય પૂર્વ હાલમાં અત્યંત સંવેદનશીલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં ઘણા મોરચે યુદ્ધની સ્થિતિ છે, ખાસ કરીને ઈઝરાયેલ અને તેના વિરોધી જૂથો જેમ કે હિઝબુલ્લાહ અને હમાસ વચ્ચે. ઇઝરાયેલ તરફથી સતત સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે, જેમાં હિઝબુલ્લાહના મુખ્ય કમાન્ડરો અને નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન, યુએસ અને કેટલાક આરબ દેશોએ પ્રાદેશિક તણાવ ઘટાડવા ઈરાન સાથે બેકડોર (ગુપ્ત) વાટાઘાટો શરૂ કરી છે, જેથી સમગ્ર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા અનેક યુદ્ધોને એકસાથે રોકી શકાય.


જોકે ઈઝરાયેલ આ બેકડોર વાતચીતનો હિસ્સો નથી, પરંતુ તેમને આ અંગે વાકેફ કરવામાં આવ્યા છે. હાલમાં ઇઝરાયેલના પરિપ્રેક્ષ્યમાં તે સ્પષ્ટ નથી કે તે આ શાંતિ વાટાઘાટોને કેવી રીતે જુએ છે. ઇઝરાયેલ માને છે કે, યુદ્ધવિરામ તેની શરતો પર હોવો જોઈએ, જેની સૌથી મહત્વપૂર્ણ શરત હિઝબોલ્લાહના લશ્કરી થાણાઓનો સંપૂર્ણ વિનાશ છે. ખાસ કરીને ઈઝરાયેલના સરહદી વિસ્તારોમાં સ્થિત થાણાઓ.


હિઝબુલ્લાહના ડેપ્યૂટી લીડરનું નિવેદન 
હિઝબુલ્લાહના ડેપ્યૂટી લીડર નઈમ કાસિમે તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે તેમનું સંગઠન હમાસ અને પેલેસ્ટાઈનની સાથે મક્કમતાથી ઊભું રહેશે. જો ઇઝરાયેલ તેની કાર્યવાહી ચાલુ રાખશે તો તેનો નિર્ણય યુદ્ધના મેદાનમાં જ લેવામાં આવશે. કાસેમે લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરી દ્વારા બિનશરતી યુદ્ધવિરામના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો, જેઓ શાંતિ પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે.


ઇઝરાયેલે હિઝબુલ્લાહના કેટલાક લોકો માર્યા 
ઇઝરાયેલે હિઝબુલ્લાહ સામે અનેક મોટા હુમલાઓ કર્યા છે, જેમાં હિઝબુલ્લાહના સર્વોચ્ચ કમાન્ડર ફૌઆદ શુક્ર, સધર્ન ફ્રન્ટ કમાન્ડર અલી કરાકી અને ઓપરેશન રેઇડના વડા ઇબ્રાહિમ અકીલ સહિત સંગઠનના અનેક વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા છે. હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહના સંભવિત અનુગામી હાશિમ સફીદ્દીન પણ ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે.


પીછેહઠ કરવાના મૂડમાં નથી ઇઝરાયેલ 
તે સ્પષ્ટ છે કે ઇઝરાયેલ પીછેહઠ કરવાના મૂડમાં નથી અને તે તેની સૈન્ય સ્થિતિને મજબૂત કરવા પર આગ્રહ કરી રહ્યું છે, જ્યારે બીજીતરફ હિઝબુલ્લાહ અને ઇરાન સમર્થિત જૂથો શાંતિ વાટાઘાટો તરફ સકારાત્મક સંકેતો આપી રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું અમેરિકા અને આરબ દેશો વચ્ચેની મધ્યસ્થી કોઈ નક્કર શાંતિ પ્રસ્તાવને જન્મ આપી શકશે કે પછી મધ્ય પૂર્વમાં આ તણાવ વધુ વધશે.


આ પણ વાંચો


'ભારત અમારી મદદ કરો...' -ઇઝરાયેલના તાબડતોડ હુમલાઓથી ડરેલા લેબનાને ભારત પાસે માંગી મદદ, જાણો