Israel Attack on Iran: ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે ફરી એકવાર ઈરાનના ઈસ્ફહાન શહેરમાં હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલો સોમવાર સુધીમાં થવાનો હતો પરંતુ ઇઝરાયલ પહેલાથી જ હુમલો શરૂ કરી ચુક્યું છે, ત્યારબાદ ઈરાને તેની ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી દીધી છે. આ ઉપરાંત ઘણા શહેરોમાં ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.
ઈરાનના હુમલા બાદ અમેરિકાએ આશંકા વ્યક્ત કરી હતી કે ઈઝરાયલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરી શકે છે. આ હુમલામાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે, હાલ તો એ વાતની જાણકારી મળી નથી કે પરમાણુ યુનિટને નુકસાન થયું છે કે નહીં, પરંતુ ઈરાનના પરમાણુ યુનિટ ઈસ્ફહાન શહેરમાં પણ છે.
ઈઝરાયલના હુમલા બાદ સમગ્ર વિશ્વમાં યુદ્ધનો ખતરો વધી રહ્યો છે, કારણ કે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધમાં ઈરાન ખુલ્લેઆમ પેલેસ્ટાઈનની માટે આગળ આવ્યું છે. બીજી તરફ રશિયાએ ઈરાન સાથે સહયોગ કરવાની વાત કરી છે. અમેરિકા પહેલાથી જ ઈઝરાયલની સાથે છે. આ રીતે આ યુદ્ધને બે ભાગમાં વહેંચી શકાય છે અને ઘણા દેશો તેમાં જોડાઈ શકે છે.
ખામેનેઇના જન્મદિવસે ઈઝરાયલે હુમલો કર્યો
ઈઝરાયેલ તરફથી આ હવાઈ હુમલાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇની તેમનો 85મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ખામેનેઇ 1989 થી ઈરાનના સુપ્રીમ લીડર છે. અમેરિકન બ્રોડકાસ્ટર એબીસી ન્યૂઝ અનુસાર, ઈઝરાયલે ઈરાનમાં એક સ્થળ પર મિસાઈલ હુમલો કર્યો છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ ઈસ્ફહાન પ્રાંતમાં વિસ્ફોટની જાણ કરી હતી અને રાજ્ય ટીવીએ જણાવ્યું હતું કે ઘણા શહેરોમાં ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે.
ઈરાનના દૂતાવાસ પર હુમલા બાદ વિવાદ વધ્યો હતો
બીજી તરફ સીરિયા અને ઈરાકમાં વિસ્ફોટના અહેવાલો છે, જો કે હજુ સુધી આ અંગે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ નથી. સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર ઈઝરાયલના શંકાસ્પદ હુમલા બાદ 1 એપ્રિલના રોજ ઈરાને ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. હવે તેના જવાબમાં ઈઝરાયલ ઈરાનમાં બોમ્બ ફેંકી રહ્યું છે. ઈઝરાયલના હુમલામાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના બે જનરલ સહિત 13 લોકો માર્યા ગયા હતા.