Israel Attack Iran: ઈઝરાયેલે આખરે ઈરાન પર હુમલો કર્યો. ઈરાનના ઘણા શહેરો પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. એબીસી ન્યૂઝે એક અમેરિકન અધિકારીને ટાંકીને આ હુમલાની પુષ્ટિ કરી છે. એબીસીના અહેવાલ મુજબ ઈસ્ફહાન શહેરમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. ઈસ્ફહાનમાં અનેક પરમાણુ સ્થળો છે. ઈસ્ફહાન સિવાય તબરીઝ શહેરમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ઈઝરાયેલે હુમલા માટે એ દિવસ પસંદ કર્યો છે જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીનો 85મો જન્મદિવસ છે.
ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ ઈઝરાયેલના હુમલા અંગે માહિતી આપી છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર, વિસ્ફોટો બાદ તરત જ ઈરાની એરસ્પેસમાંથી ઘણી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. સીએનએન ન્યૂઝ અનુસાર લગભગ 8 વિમાનોએ તેમનો રૂટ બદલ્યો હોવાના અહેવાલ છે.
અમેરિકન અધિકારીએ શું કહ્યું
અમેરિકન અધિકારીએ એબીસી ન્યૂઝને જણાવ્યું છે કે ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. જો કે, સીરિયા અને ઇરાક સુધી મિસાઇલો છોડવામાં આવી છે કે કેમ તે જાણવામાં આવી રહ્યું છે.
ઈરાને કહ્યું- હુમલો થયો છે
ઈઝરાયેલે હજુ સુધી આ હુમલાની પુષ્ટિ કરી નથી. જોકે ઈરાને કહ્યું છે કે હુમલો થયો છે. ઈરાને હવાઈ સંરક્ષણ સક્રિય કર્યું છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીનું કહેવું છે કે ઈરાનના કેટલાય પ્રાંતોમાં એર ડિફેન્સ બેટરી ફાયર કરવામાં આવી છે.
દરમિયાન, ઈરાનની સુરક્ષા એજન્સીના પ્રવક્તાએ અલ જઝીરાને જણાવ્યું કે અમે ઈઝરાયેલ દ્વારા છોડવામાં આવેલા ઘણા નાના ડ્રોનને તોડી પાડ્યા છે.
ઈરાને એર ડિફેન્સ મિસાઈલો સક્રિય કરી
ઈરાની એરપોર્ટ અને એર નેવિગેશન કંપનીના જણાવ્યા અનુસાર ઈરાને તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝ એરપોર્ટ સહિત અનેક વિસ્તારોમાં ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. એર ડિફેન્સ મિસાઇલો પણ સક્રિય કરવામાં આવી છે.
ઈરાને હુમલો કર્યો હતો
ઈરાને 13 એપ્રિલે મોડી રાત્રે ઈઝરાયેલ પર 300 મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરીને સીરિયામાં તેમના દૂતાવાસ પર થયેલા હુમલાનો બદલો લીધો હતો. આ પછી ઈઝરાયેલની જવાબી કાર્યવાહી અંગે ચર્ચા થઈ હતી. નેતન્યાહુએ 5 વખત યુદ્ધ કેબિનેટ બેઠકો યોજી હતી.
1 એપ્રિલે સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાને તેના ટોચના કમાન્ડર સહિત ઘણા સૈન્ય અધિકારીઓના મોતનો દાવો કર્યો હતો. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને સીધો જ જવાબદાર ઠેરવ્યો હતો. આ જ કારણ છે કે તેણે બદલો લેવા માટે ઈઝરાયેલ પર ઝડપી હુમલા શરૂ કર્યા અને આ ક્રિયાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ નામ આપ્યું.