Israel Palestine Attack: ઇઝરાયેલ પર હમાસના ભયાનક હુમલા બાદ સમગ્ર ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાન અને ઘણા મુસ્લિમ દેશોમાં ઈઝરાયેલ પરના હુમલાની ઉજવણી થઈ રહી છે ત્યારે ખાડીના મહત્વના મુસ્લિમ દેશ યુએઈએ હમાસની આકરી ટીકા કરી છે. UAEએ કહ્યું કે ઇઝરાયેલ પર હમાસનો હુમલો ખૂબ જ ગંભીર અને ખૂબ જ ઉશ્કેરણીજનક છે. UAE ના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે તે એવા અહેવાલોથી ચોંકી ઉઠ્યું છે કે હમાસના સભ્યોએ ઈઝરાયેલના લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢ્યા છે અને તેમને બંધક બનાવ્યા છે. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 700 ઈઝરાયેલ અને વિદેશી નાગરિકો માર્યા ગયા છે.


યુએઈના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલી નાગરિકોને તેમના ઘરોમાંથી બંધક તરીકે લેવામાં આવ્યા હોવાના અહેવાલોથી તે ભયભીત છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે, બંને બાજુના નાગરિકોને હંમેશા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ સંપૂર્ણ સુરક્ષા હોવી જોઈએ અને તેઓ ક્યારેય સંઘર્ષનું લક્ષ્ય ન હોવા જોઈએ.


UAE ઇઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવનાર પ્રથમ ગલ્ફ દેશ


UAE 2020 માં ઇઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવનાર પ્રથમ ગલ્ફ દેશ બન્યો હતો. હમાસના લડવૈયાઓએ 7 ઓક્ટોબર શનિવારના રોજ ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી, જે બાદ હમાસના કુલ 413 લોકો અને ઈઝરાયેલના 700થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી હતી. આ સમયગાળા દરમિયાન ઘણા દેશો પોતપોતાના મિત્ર દેશોના સમર્થનમાં આગળ આવ્યા. એક તરફ ઈરાને હમાસના હુમલાના વખાણ કર્યા અને તેની ઉજવણી પણ કરી. તે જ સમયે, પાકિસ્તાન પણ પેલેસ્ટાઈનના સમર્થનમાં એકસાથે આવ્યું હતું. જો કે, UAE ઇઝરાયલના સમર્થનમાં આગળ આવનારો પ્રથમ મુસ્લિમ દેશ બની ગયો છે.


ઇઝરાયેલના સમર્થનમાં આવ્યા અનેક દેશો


ઈઝરાયેલના સમર્થનમાં એકતા દર્શાવતા ઘણા દેશોએ પોતાના દેશની પ્રખ્યાત ઈમારતોને ઈઝરાયેલના ધ્વજના રંગોમાં રંગાવી હતી. જેમાં યુકેના પીએમ ઋષિ સુનકે તેમના સત્તાવાર નિવાસસ્થાનને ઈઝરાયેલના ધ્વજથી રંગ્યું હતું. બર્લિન, જર્મનીના બ્રાન્ડેનબર્ગ ગેટને ગઈકાલે વાદળી રંગવામાં આવ્યો હતો. અમેરિકાની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પણ વાદળી અને સફેદ રંગોમાં તરબોળ જોવા મળી હતી.