Israel-Hamas war: ઇઝરાયલ સરકારે હમાસ દ્ધારા બંધક બનાવવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોની મુક્તિના બદલામાં 4 દિવસના યુદ્ધવિરામને મંજૂરી આપી છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું કે ઇઝરાયલ સરકારે ગાઝામાં બંધક તરીકે રાખવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા માટે હમાસ આતંકવાદીઓ સાથેની ડીલને સમર્થન આપ્યું હતું. સાથે સાથે ઇઝરાયલ સરકાર તેમની જેલમાં બંધ પેલેસ્ટાઇનના 150 મહિલા અને સગીર કેદીઓને મુક્ત કરવા પર સહમત થઇ હતી. એવા લોકોને મુક્ત કરવામાં આવશે જેમના પર કોઈ ઘાતક આતંકવાદી હુમલામાં સામેલ હોવાનો સીધો આરોપ લાગ્યો નથી.






 


આ કરાર અનુસાર, 96 કલાક દરમિયાન લડાઈ અટકાવવાના બદલામાં પ્રથમ ચાર દિવસમાં હમાસ દ્ધારા 50 બંધકોને મુક્ત કરવામાં આવશે. હમાસ દ્વારા લગભગ 40 બાળકો અને 13 મહિલાઓને બંધક બનાવવામાં આવી છે. મંજૂર થયેલા કરારમાં 30 બાળકો, આઠ માતાઓ અને 12 અન્ય મહિલાઓની મુક્તિનો સમાવેશ થાય છે.  50 બંધકોને એકસાથે નહીં પરંતુ નાના જૂથોમાં છોડવામાં આવશે. જો આગામી ચાર દિવસ સુધી લડાઈ રોકવામાં આવે તો ગાઝામાં રાખવામાં આવેલા બાકીના 30 બંધકોને મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.


કતારના અધિકારીઓ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના કરારમાં મધ્યસ્થી કરી રહ્યા છે. પીએમ નેતન્યાહુએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ડીલ  સુધી પહોંચવામાં મદદ કરી જેથી તેમાં વધુ બંધકો મુક્ત કરવામાં આવશે.


છેલ્લા દોઢ મહિનાથી ગાઝા પર ઈઝરાયેલના સતત હુમલા બાદ આ પ્રથમ યુદ્ધવિરામ હશે. આ યુદ્ધવિરામના કારણે ગાઝા સુધી માનવીય સહાય પણ પહોંચી શકશે. જોકે, આ યુદ્ધવિરામ ક્યારે અમલમાં આવશે તે સ્પષ્ટ નથી. એવી અપેક્ષા છે કે ગુરૂવારથી બંધકોને મુક્ત કરવામાં આવશે. ઇઝરાયેલી સરકારે કહ્યું કે તે મુક્ત કરાયેલા દરેક 10 બંધકો માટે એક વધારાનો દિવસ યુદ્ધ વિરામમાં લંબાવશે.


નેતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી હમાસનો ખાત્મો ન થાય અને તમામ બંધકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. "અમે યુદ્ધમાં છીએ અને જ્યાં સુધી અમે અમારા તમામ લક્ષ્યો પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી અમે યુદ્ધ ચાલુ રાખીશું. હમાસને નષ્ટ કરવા અમારા તમામ બંધકોને છોડાવવા અને ગાઝામાં ઇઝરાયલ વિરોધી કોઇ રહે નહી તેની પણ ખાતરી કરવામાં આવશે.


હમાસ દ્વારા જાહેર કરાયેલ નિવેદનમાં તેણે માનવતાવાદી યુદ્ધવિરામનું સ્વાગત કર્યું હતું, તેણે કહ્યું હતું કે કરારના ભાગરૂપે 150 પેલેસ્ટિનિયનોને ઇઝરાયેલની જેલોમાંથી મુક્ત કરવામાં આવશે. આખી રાતની બેઠક બાદ બંને પક્ષોએ કરારની પુષ્ટી કરી હતી. નેતન્યાહુએ કહ્યું કે આ એક મુશ્કેલ નિર્ણય હતો પરંતુ સાચો હતો. નેતન્યાહુને તેમના યુદ્ધ કેબિનેટ તરફથી પ્રતિકારનો સામનો કરવો પડ્યો કારણ કે કેટલાકનું માનવું છે કે આ ડીલ હમાસના વધુ ફાયદામાં છે.