ઇઝરાયલની સેના લેબનાનની અંદર 48 કિલોમીટર અંદર સુધી પ્રવેશ કરી ચૂકી છે.  તેમના હુમલાઓથી ગભરાઈને હિઝબુલ્લાહના આતંકવાદીઓ વિસ્તાર છોડીને ભાગી ગયા છે. કેટલાક સ્થળો પર લેબનાનની આર્મી અને હિઝબુલ્લાહના આતંકવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં કોઈ લેબનીઝ લોકો નથી. લગભગ 10 લાખ લોકોએ આ વિસ્તાર છોડી દીધો છે.






ઇઝરાયલી દળો સમગ્ર દક્ષિણ લેબનોનમાં ફેલાઈ ગયા છે. ઈઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા કેબિનેટે કહ્યું કે હિઝબુલ્લાહ વિરુદ્ધ યુદ્ધનો આ આગામી તબક્કો છે. લગભગ 50 વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે ઇઝરાયલી દળો લેબનાનની ધરતી પર પહોંચ્યા છે. 2006માં 34 દિવસ સુધી ચાલેલા યુદ્ધ બાદ આ પ્રથમ વખત બન્યું છે.






ઈઝરાયલની સેના તેને લિમિટેડ ગ્રાઉન્ડ ઓપરેશન ગણાવી રહી છે. જેમાં એરફોર્સ પણ મદદ કરી રહી છે. આકાશમાંથી બોમ્બ અને મિસાઈલ છોડીને જમીની દળો માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય લેબનાનની શેરીઓ અને રસ્તાઓ પર શહેરી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલે કહ્યું છે કે તે લેબનોન પર વધુ સમય કબજો રાખશે નહીં.


બે ડઝન ગામોમાંથી હિઝબુલ્લાહનો સફાયો


પરંતુ ઈઝરાયલની સેનાનો ઈરાદો શું છે? કેટલા દિવસ અને કેટલો વિસ્તાર કબજે કરવાનો છે?  આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. એક, ઑક્ટોબરસુધીમાં ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનાનની અંદરના બે ડઝન ગામોને હિઝબુલ્લાહ આતંકવાદીઓથી મુક્ત કર્યા હતા. ઈઝરાયલની સેના 48 કિલોમીટર અંદર સુધી પહોંચી ગઈ છે. ઇઝરાયલની સેના હિઝબુલ્લાહના સ્થળો પર જ હુમલાઓ કરી રહી છે. જેને તેણે લોકલાઇઝ્ડ રેઇડ્સ નામ આપ્યું છે.


હિઝબુલ્લાહે ઈઝરાયલના દાવાને ફગાવી દીધો હતો


હિઝબુલ્લાહના પ્રવક્તા મોહમ્મદ અફીફે ઈઝરાયલી સેનાના આ તમામ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેણે કહ્યું કે ઈઝરાયલ ખોટું બોલી રહ્યું છે. UNIFIL અનુસાર, ઇઝરાયલી સેનાએ પસંદગીપૂર્વક લેબનીઝની ધરતી પર પગ મૂક્યો છે. હુમલો કર્યો છે. સંપૂર્ણ યુદ્ધ લડવામાં આવ્યું નથી. ઇઝરાયલી સૈનિકો લેબનીઝ ધરતી પર અટકી રહ્યા નથી. તેઓ હુમલો કરે છે અને પછી પાછા આવે છે.