લંડનઃ વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની લંડન સ્થિત ઇક્વાડોર એમ્બેસીમાંથી ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા સાત વર્ષોથી અસાંજે ઇક્વાડોરની એમ્બેસીમાં શરણ લઇ રહ્યા હતા. જાતીય શોષણના કેસમાં સ્વીડનમાં પ્રત્યાર્પણથી બચવા માટે અસાંજેએ એમ્બેસીને પોતાનુ ઘર બનાવ્યું હતું. લંડનની મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે, હાલમાં અસાંજેની ધરપકડ કરવામાં આવી છે અને તેને વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.


નોંધનીય છે કે અસાંજેએ 2010માં મોટી સંખ્યામાં અમેરિકાના ગુપ્ત દસ્તાવેજોને સાર્વજનિક કર્યા હતા. અસાંજેને સ્વીડનમાં પ્રત્યાર્પણથી બચવા માટે 2012માં ઇક્વાડોરની એમ્બેસીમાં શરણ લીધુ હતું. બાદમાં સ્વીડને અસાંજે પરથી જાતીય શોષણનો આરોપ હટાવી દીધો હતો. જોકે, તેમ છતાં અસાંજે એમ્બેસીમાં જ રહ્યા હતા. કારણ કે જામીનનો મામલો ખત્મ થઇ જવાના કારણે લંડનમાં તેમના પર ધરપકડની તલવાર લટકી રહી હતી. ગયા વર્ષે 12 ડિસેમ્બરથી અસાંજેને ઇક્વાડોરની નાગરિકતા મળી હતી.