અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આ હુમલામાં 19 લોકોના મોત થયા છે, સાથે જ 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ન્યૂઝ એજન્સી AFP પાસેથી મળેલી જાણકારી અનુસાર કાબુલ શહેરના સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટ્રી હોસ્પિટલ પાસે મંગળવારે બે બ્લાસ્ટ થયા અને ત્યારબાદ ગોળીઓ ચલાવવાનો અવાજ પણ સંભળાયો હતો. ઘટનાસ્થળ પાસે રહેતા લોકો દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં બ્લાસ્ટ બાદ ધૂમાડો જોવા મળી રહ્યો છે.
ઘટનાને લઈ તાલિબાનના ઉપ પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસ(એપી)ને જણાવ્યું કે કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન સૈન્ય હોસ્પિટલ બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો છે.
આ પહેલા અફઘાન શહેરના કુંદુજમાં એક શિયા મસ્જિદમાં ઉપાસકો પર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટમાં આશરે 55 લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે અનેક જગ્યાએ હુમલા કર્યા હતા.
રાજધાનીમાં થયેલા વિસ્ફોટ અંગે તાલિબાન દ્વારા હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાં સતત વિસ્ફોટો થઈ રહ્યા છે. તેમાંના મોટાભાગના વિસ્ફોટો ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે, તાલિબાને કહ્યું છે કે તે ટૂંક સમયમાં જ ઈસ્લામિક સ્ટેટ પર કાબુ મેળવશે અને દેશમાં શાંતિ સ્થાપિત કરશે. જોકે, યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તર ભાગમાં ઈસ્લામિક સ્ટેટ મજબૂત બન્યું છે. અત્યાર સુધી આ આતંકવાદી સંગઠને અફઘાનિસ્તાનના જુદા જુદા ભાગોમાં વિસ્ફોટો કર્યા છે.
કાબુલમાં સૌથી ખતરનાક વિસ્ફોટ ઓગસ્ટમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો હોવાથી, દેશ છોડવા માંગતા લોકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પર એકઠા થયા હતા. 26 ઓગસ્ટના રોજ થયેલા આ બ્લાસ્ટમાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા.
હુમલા અંગે રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટની બહાર બે આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. પશ્ચિમી દેશોએ પહેલાથી જ એરપોર્ટ પર સંભવિત હુમલાની આશંકા વ્યક્ત કરી હતી કારણ કે 31 ઓગસ્ટે લોકોને એરલિફ્ટ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી હતી.