નવી દિલ્હીઃભારતીય શીખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કોરિડોર નવ નવેમ્બરના રોજ ખોલાશે. પાકિસ્તાનના એક અધિકારીએ તેની જાહેરાત કરી હતી. લાહોરથી લગભગ 125 કિલોમીટર દૂર નરોવાલમાં પ્રસ્તાવિત કરતારપુર કોરિડોર માટે સ્થાનિક અને વિદેશ પત્રકારોની પ્રથમ યાત્રા દરમિયાન તેની જાહેરાત કરાશે. યોજનાના નિર્દેશક આતિફ માજિદે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, અત્યાર સુધીમાં કોરિડોર પર 86 ટકા કામ પુરું થઇ ચૂક્યું છે અને તેને નવ નવેમ્બરના રોજ ખોલવામાં આવશે.

નોંધનીય છે કે આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મોહમ્મદ ફૈઝલે કહ્યુ હતું કે, પાકિસ્તાન સરકાર કરતારપુર કોરિડોર આવનારા તમામ વ્યક્તિથી સુવિધા ટેક્સ લેશે. આ રકમ 20 યુએસ ડોલર બરોબર રહેશે.

પાકિસ્તાને સ્પષ્ટ કર્યુ હતું કે, આ સર્વિસ ફીસ રહેશે નહી કે એન્ટ્રી ફી. માનવામાં આવી રહ્યું છે કે આ સુવિધા ટેક્સ પાણી, દવાઓ અને અન્ય સુવિધાઓ માટે લેવામાં આવશે. પાકિસ્તાની શ્રદ્ધાળુઓ વચ્ચે વહેંચનાર પ્રસાદ અને લંગર માટે જરૂરી સુવિધાઓ માટે તાજેતરમાં જ સહમત થયા હતા. કરતારપુર કોરિડોરને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત બાદ પાકિસ્તાને સ્પષ્ટ કર્યુ હતુ કે, તે બાબા ગુરુ નાનકના પ્રકાશોત્સવ પર કોરિડોરને શીખ તીર્થયાત્રીઓ માટે ખોલવામાં આવશે.