નવી દિલ્હી:  બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. યુકેમાં વાયરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે ભારતમાં બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. તેની વચ્ચે વેક્સીન બનાવનારી અમેરિકાની કંપની મોર્ડનાએ દાવો કર્યો છે કે, તેમની વેક્સીન કોરોનાના નવા સ્ટ્રેન સામે લડવામાં સંપૂર્ણ અસરકારક છે.


કોરોના વાયરસ વિરુદ્ધ જે સમયે દુનિયાના દેશો વેક્સીન વિકસિત કરવામાં લાગેલા છે, ત્યારે યૂકેમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેને ચિંતા વધારી દીધી છે. મોર્ડના સહિત અનેક દવા કંપનીઓએ કોરોનાની વેક્સીન બનાવી છે અને અમેરિકા જેવા દેશોમાં લોકોને આપવામાં આવી રહી છે.

મોર્ડનાનું કહેવું છે કે, બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેન વિરુદ્ધ તેની વેક્સીન અસરકારક છે. મોર્ડનાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, કોઈ પણ સ્ટ્રેન વિરુદ્ધ પોતાની વેક્સીનની અસરની પુષ્ટિ કરવા માટે ટેસ્ટિંગ કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપનીએ કહ્યું કે, એવી આશા છે કે, તેમની વેક્સીન જે રીતે અમેરિકામાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. બ્રિટનમાં મળી આવેલા નવા કોરોના વાયરસના રૂપ વિરુદ્ધ પણ પ્રોટેક્ટિવ હશે.