Chinese Troops : ભારત અને ચીનના સૈન્ય વચ્ચે સરહદે આવનાર સમયમાં થનારી હરકતને લઈને ગંભીર ચેતવણી આપવામાં આવી છે. લદ્દાખના હિમાલય પ્રદેશમાં ભારતીય પોલીસ દ્વારા કરાયેલ સુરક્ષા મૂલ્યાંકનથી આશંકા ઉભી થઈ છે કે, ભારતીય અને ચીની સૈનિકો તેમની વિવાદિત સરહદ પર વધુ અથડામણ કરી શકે છે. કારણ કે બેઇજિંગ આ ક્ષેત્રમાં લશ્કરી માળખાને વધુ મજબૂત બનાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચેની અથડામણમાં ભારતના 24 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. સૈન્ય અને રાજદ્વારી વાતચીત બાદ એશિયાની બે મહાસત્તાઓ વચ્ચેનો તણાવ ઘણો ઓછો જરૂર થયો છે. પરંતુ ગયા વર્ષે જ ડિસેમ્બરમાં પણ પૂર્વી હિમાલય ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે નવી અથડામણ થઈ હતી, જોકે તેમાં કોઈનું મૃત્યુ થયું નહોતું. અથડામણમાં બંને પક્ષના સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.
આ મૂલ્યાંકન લદ્દાખ પોલીસ દ્વારા નવા ગોપનીય સંશોધન પેપરનો એક ભાગ છે જે 20 થી 22 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી ટોચના પોલીસ અધિકારીઓની કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રોઇટર્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
અહેવાલમાં જણાવાયું છે કે, આ મૂલ્યાંકન સરહદી વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલી ગુપ્ત માહિતી અને વર્ષોથી ભારત-ચીન સૈન્ય તણાવની પેટર્ન પર આધારિત છે. ભારતીય સૈન્યએ ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો ન હતો. જો કે મૂલ્યાંકન એ અર્થમાં નોંધપાત્ર છે કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાજરી આપેલ પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ અને વિદેશ મંત્રાલયોએ પણ ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો. ચીનના વિદેશ મંત્રાલયે પણ આ મૂલ્યાંકન પર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.
પેપરમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ચીનમાં ઘરેલું જરૂરિયાતો અને આ ક્ષેત્રમાં તેમના આર્થિક હિતોને ધ્યાનમાં રાખી PLA તેના લશ્કરી માળખાનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે અને અથડામણો પણ વારંવાર થતી રહેશે. એક પેટર્ન અનુંસાર તેમ થઈ પણ શકે છે અને ના પણ થાય. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો અથડામણ અને તણાવની પેટર્નનું વિશ્લેષણ કરવામાં આવે તો 2013-2014 થી દર 2-3 વર્ષના અંતરાલમાં તીવ્રતા વધી છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારત લદ્દાખમાં ચીન સામે ધીમે-ધીમે જમીન ગુમાવી રહ્યું છે કારણ કે, બફર ઝોન બનાવીને સરહદને ભારતીય ક્ષેત્રની અંદર ધકેલી દેવામાં આવી છે. ભારત અને ચીન વચ્ચે 3,500 કિમી (2,100 માઇલ)ની સરહદ છે જે 1950ના દાયકાથી વિવાદિત છે. 1962માં આ બાબતે બંને પક્ષો વચ્ચે યુદ્ધ પણ થયું હતું.
ભારત સરકારે બોર્ડર ટુરીઝમને પ્રોત્સાહન આપવું જોઈએ
એ જ પોલીસ કોન્ફરન્સમાં લેહના એસએસપી પીડી નિત્યાએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ભારત સરકારે દૌલત બેગ ઓલ્ડી અથવા ડેપસાંગના મેદાનોમાં સરહદી પર્યટનને પ્રોત્સાહન આપવું જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીન પૂર્વી લદ્દાખમાં મજબૂત વ્યૂહાત્મક હાજરી માટે સૈન્ય તાકાત વધારી રહ્યું છે.
આ નોટમાં કહેવામાં આવ્યું છે કે, ચીનના વન બેલ્ટ વન રોડ અને CPEC પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને ભારતની સરહદને ભવિષ્ય માટે નવી રીતે અને ટેક્નોલોજીમાં તૈયાર કરવી જોઈએ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વી લદ્દાખના તે વિસ્તારોમાં જ્યાં ચીન તેની તરફથી અનેક પ્રકારના નિર્માણ કાર્ય કરી રહ્યું છે અને પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. આ જોતાં બદલામાં ભારતે પણ પગલાં ભરવા પડશે. આ માટે વિસ્તારને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવવી જોઈએ તેવું સૂચન નોંધમાં કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, તુરતુક અથવા સિયાચીન સેક્ટર અને દૌલત બેગ ઓલ્ડી અથવા ડેપસાંગના મેદાનોમાં સરહદ પર્યટનને ઝડપથી પ્રોત્સાહન આપવું જોઈએ.