નવી દિલ્લીઃ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ તેમના સૈન્ય સામે ઝૂકી ગયા છે. સૈન્યના દબાણમાં નવાઝે તેમના જ એક મંત્રીને હટાવી દીધા છે. પાકિસ્તાનના સૂચના મંત્રી પરવેઝ રાશિદને ડોન ન્યૂઝપેપરમાં છપાયેલી સૈન્ય અને સરકાર વચ્ચેના મતભેદના ન્યૂઝ માટે જવાબદાર ઠેરવીને હટાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાની સૈન્યએ પરવેઝ રાશિદથી ખુશ નહોતી.


પરવેઝ રાશિદને હટાવવા પર પાકિસ્તાનના વડાપ્રધાન ઓફિસ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, અત્યાર સુધી મળેલા પુરાવાઓના આધારે લાગે છે કે આ મામલામાં સૂચનામંત્રીથી ભૂલ જોવા મળી રહી છે. એટલા માટે તપાસ પુરી ના થાય ત્યાં સુધી તેમને પદ છોડવાનું કહેવામાં આવ્યું છે.

આ આખી ઘટના પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ભારતે કરેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ શરૂ થઇ હતી. વાસ્તવમાં ઓક્ટોબરમાં પાકિસ્તાની પત્રકાર સિરિલ અલમાઇદાએ ડોન ન્યૂઝપેપરમાં સૈન્ય અને સરકાર વચ્ચે મતભેદને લઇને એક અહેવાલ છાપ્યો હતો. અહેવાલમાં ઓક્ટોબરમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં સૈન્ય અને સરકાર વચ્ચે મતભેદ થયાની ઘટનાનો ઉલ્લેખ હતો. આ બેઠકમાં નવાઝ શરીફે કહ્યુ હતું કે સૈન્ય આતંકીઓ પર કાર્યવાહી કરે નહીં તો પાકિસ્તાન દુનિયાથી અલગ પડી જશે તેવો દાવો કરાયો હતો.