કાઠમંડુઃ નેપાળની સંસદે શનિવારે દેશના નકશાને સંશોધિત કરવા માટે બંધારણમાં બદલાવ સંબંધિત એક બિલને સર્વસંમતિથી પાસ કરી દીધું હતું.  275 સભ્યો વાળી નેપાળી સંસદમાં આ વિવાદિત બિલના સમર્થનમાં 258 મત પડ્યા છે.  સંશોધિત નકશામાં ભારતીય સરહદ પર આવેલા રણનીતિક રીતે મહત્વપૂર્ણ લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા વિસ્તાર પર દાવો કરવામાં આવ્યો છે. ભારત આ ત્રણ વિસ્તારોને પોતાનું ગણાવી રહ્યું છે.


નેપાળી કોગ્રેસ, રાષ્ટ્રીય જનતા પાર્ટી-નેપાળ અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી સહિત મુખ્ય વિપક્ષી દળોએ  બિલના સમર્થનમાં વોટિંગ કર્યું હતું. હવે સંસદના અપર હાઉસ રાષ્ટ્રીય સભામાં મોકલવામા આવશે. ત્યાં પણ વોટિંગ કરવામા આવશે.



સંસદે નવ જૂનના રોજ પરસ્પર સહમતિથી આ બિલના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે સહમતિ વ્યક્ત કરી હતી જેનાથી નવા નકશાને મંજૂરી આપવાનો રસ્તો સાફ થઇ ગયો હતો. બિલને નેશનલ એસેમ્બલીમાં મોકલવામાં આવશે. જ્યાં ફરી એકવાર આ પ્રક્રિયામાંથી પસાર કરાશે. સતાધારી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી પાસે નેશનલ એસેમ્બલીમાં બે તૃતિયાંશ બહુમત છે.

નેશનલ એસેમ્બલીમાંથી બિલ પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવવામાં આવશે બાદમાં તેને બંધારણમાં સામેલ કરવામાં આવશે. સરકારે બુધવારે નિષ્ણાંતોની નવ સભ્યોની એક સમિતિ બનાવી હતી જે આ વિસ્તારો સંબંધિત ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ એકઠા કરશે.

નોંધનીય છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આઠ મેના રોજ ઉત્તરાખંડમાં લિપુલેખને ધારચૂલા સાથે જોડતા રસ્તાનું ઉદ્ધાટન કર્યું જેનો નેપાળે વિરોધ કર્યો હતો અને બંન્ને દેશો વચ્ચે તણાવ પેદા થયો હતો.  નેપાળે દાવો કર્યો હતો કે આ રસ્તો નેપાળના ક્ષેત્રમાંથી પસાર થાય છે. ભારતે નેપાળના દાવાઓને ફગાવતા કહ્યું કે, આ રસ્તો ભારતના જ વિસ્તારમાં છે.