Nepal's New PM: નેપાળમાં નવી સરકાર રચવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ ફરી એકવાર નેપાળની સત્તાની કમાન સંભાળવા જઈ રહ્યા છે. તેઓ નેપાળના આગામી વડાપ્રધાન બનશે. આવતી કાલે સોમવારે સ્થાનિક સમય મુજબ સાંજે 4 વાગ્યે તેઓ ત્રીજી વખત નેપાળના પીએમ તરીકે શપથ લેશે. નેપાળના રાષ્ટ્રપતિ કાર્યાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી.


નેપાળમાં અઢી-અઢી વર્ષના વડાપ્રધાન પદની સહમતિના આધારે સરકાર રચાશે. નેપાળમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ કોઈપણ રાજકીય પક્ષને બહુમતી મળી નથી. પરંતુ નાટકીય ઘટનાક્રમમાં આજે વિપક્ષ CPN-UML અને અન્ય નાના પક્ષો પ્રચંડને તેમનું સમર્થન આપવા માટે સંમત થયા હતાં. આ સાથે જ પ્રચંડ ત્રીજી વખત PM બનવા માટે તૈયાર થયા હતા.


નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને લખેલા પત્રમાં પ્રચંડે કહ્યું હતું કે, તેમને વડાપ્રધાન પદ માટે અપક્ષના સાંસદો સહિત 169 સાંસદોનું સમર્થન મળ્યું છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ તેમને નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતાં. તેઓ આવતીકાલે પદ અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરશે.






કોણ છે પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'?


11 ડિસેમ્બર 1954ના રોજ પોખરા નજીક કાસ્કી જિલ્લામાં ધીકુરપોખારી ખાતે જન્મેલા પ્રચંડે લગભગ 13 વર્ષ સુધી પૃષ્ઠભૂમિમાં કામ કર્યું છે. CPN-માઓવાદીએ એક દાયકા લાંબી સશસ્ત્ર બળવોનો માર્ગ છોડીને રાજકારણનો માર્ગ અપનાવ્યો ત્યારે તેઓ મુખ્ય પ્રવાહના રાજકારણમાં જોડાયા હતાં.


તેમણે 1996 થી 2006 સુધી એક દાયકા લાંબા સશસ્ત્ર સંઘર્ષનું નેતૃત્વ કર્યું હતું જે આખરે નવેમ્બર 2006માં વ્યાપક શાંતિ કરાર પર હસ્તાક્ષર સાથે સમાપ્ત થયું હતું. આ અગાઉ ઓલીના નિવાસસ્થાને બાલકોટ ખાતે યોજાયેલી બેઠકમાં પૂર્વ વડાપ્રધાન કે પી શર્મા ઓલી સિવાય પ્રચંડ અને અન્ય નાના પક્ષોના નેતાઓ પ્રચંડના નેતૃત્વમાં સરકાર બનાવવા માટે સંમત થયા હતા.


પ્રચંડ અને ઓલી વચ્ચે વૈકલ્પિક રીતે (રોટેશનના આધારે) સરકારનું નેતૃત્વ કરવા માટે સમજૂતી થઈ હતી અને ઓલીએ પ્રચંડને પ્રથમ વડાપ્રધાન બનાવવા માટે સંમતિ દર્શાવી હતી.