China Covid-19 Blast: ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉચક્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ ચીનમાં કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહ્યાં છે. માત્ર કોરોનાના કેસ જ નહીં પણ તેનાથી થતા મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. જોકે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ મામલે કંઈ પણ બોલવાનો ઈનકાર કરી રહ્યાં છે અને સ્થિતિને છુપાવવાની તનતોડ કોશિસ કરી રહ્યાં છે. 2023માં ચીનમાં સ્થિતિ વકરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


અમેરિકા સ્થિત ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (આઈએચએમઈ)ના નવા અંદાજ અનુસાર, ચીન દ્વારા સખત COVID-19 પ્રતિબંધો અચાનક હટાવવાથી 2023 સુધીમાં કેસનો વિસ્ફોટ થઈ શકે છે અને 10 લાખથી વધુ મૃત્યુ થઈ શકે છે. 


IHME અનુમાન મુજબ ચીનમાં કેસ 1 એપ્રિલની આસપાસ કોરોનાના કેસ તેની ટોચ પર હશે. જ્યારે મૃત્યુ 3,22,000 સુધી પહોંચશે. IHMEના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મુરેએ કહ્યું હતું કે, આ સમયગાળા સુધીમાં ચીનની લગભગ ત્રીજા ભાગની વસ્તી સંક્રમિત થઈ ગઈ હશે.


ચીનની નેશનલ હેલ્થ ઓથોરિટીએ COVID પ્રતિબંધો હટાવ્યા બાદ કોઈ સત્તાવાર COVID મૃત્યુની જાણ કરી નથી. છેલ્લું સત્તાવાર મૃત્યુ 3 ડિસેમ્બરે નોંધાયું હતું. ચીનમાં રોગચાળાના કારણે કુલ મૃત્યુઆંક 5,235 છે. અભૂતપૂર્વ જાહેર વિરોધ પછી ચીને ડિસેમ્બરમાં વિશ્વના કેટલાક સખત COVID પ્રતિબંધો હટાવ્યા હતા અને હવે કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. આ મહિનાને નવા વર્ષની ઉજવણી અને રજાઓ દરમિયાન કોવિડ તેની ચીનના 1.4 અબજની વસ્તીમાં ફેલાય તેવી આશંકા છે.


ક્રિસ્ટોફર મુરેએ કહ્યું હતું કે, કોઈએ વિચાર્યું પણ નહોતું કે ઝીરો કોવિડ નીતિ આટલા લાંબા સમય સુધી ચાલુ રાખી શકશે. તેમણે કહ્યું હતું કે, ચીનની ઝીરો-કોવિડ નીતિ વાયરસના અગાઉના પ્રકારોમાં અસરકારક હોઈ શકે છે, પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટની ઉચ્ચ ટ્રાન્સમિસિબિલિટી જાળવી રાખવી અશક્ય છે. મુરેએ વધુમાં ઉમેર્યું હતું કે, વુહાનમાં ફાટી નીકળ્યા બાદ ચીનમાં ભાગ્યે જ કોઈ મૃત્યુ નોંધાયા છે. તેથી અમે ચેપના મૃત્યુ દરનો ખ્યાલ મેળવવા માટે હોંગકોંગ તરફ નજર દોડાવી રહ્યાં છીએ. 


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ચીનમાં કોરોના વાયરસે દેખા દીધી હતી. જોત જોતામાં જ આ વાયરસે આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી હતી. આ વાયરસના પરિણામે દુનિયામાં કરોડો લોકો મોતને ભેટ્યાં હતાં. જેમાં ચીનમાં મૃતાંક મોટો છે.