ઓકલેન્ડઃ કોરોના વાયરસના વિશ્વભરના ઘણા દેશોએ લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનના કારણે દેશોની અર્થવ્યવસ્થા પર મોટું સંકટ ઉભું થયું હતું. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડને પ્રવાસનને વેગ આપવા અને કર્મચારીઓના કામ તથા જીવનમાં સંતુલન જાળવી રાખવા અઠવાડિયામાં ચાર દિવસ કામવાનું સૂચન કર્યુ છે. તેમણે કહ્યું, આ પ્રકારે લોકો ત્રણ દિવસ ફરવા નીકળશે અને તેથી અર્થતંત્રને વેગ મળશે.


ફેસબુક લાઇવ વીડિયોમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડાએ કહ્યું, લોકોએ અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા ઘરેલુ પર્યટનને પ્રોત્સાહિત કરવા ભાર આપવાનું સૂચન કર્યુ છે. લોકોને ફરવાની છૂટ આરવી જોઈએ. અર્ડર્ને કહ્યું કે, જ્યાં સુધી વિદેશી નાગરિકોમાં દેશમાં આવવા પર પ્રતિબંધ છે ત્યાં સુધી ઘરેલુ પર્યટને પ્રોત્સાહન આપવું જોઈએ. આ સ્થિતિમાં દેશના નાગરિકોએ તેમનો મહત્તમ સમય પરિવાર સાથે ફરવામાં પસાર કરવો જોઈએ.

તેમણે કહ્યું, લોકોએ મને કહ્યું કે જો પ્રોફેશનલ લાઈફમાં થોડી છૂટ મળે તો તેઓ વધારે ઘરેલુ યાત્રા કરી શકે છે. લોકડાઉનના કારણે પ્રવાસન ક્ષેત્રને ઘણું નુકસાન થયું છે. આપણે તમામ કોવિડ-19થી ઘણું બધુ શીખ્યા છીએ. ઘરેથી કામ કરવાની આદતે આપણા જીવનમાં મોટો બદલાવ લાવવાનું કામ કર્યુ છે. મેં ઘણા લોકોને એવું સૂચન આપતાં સાભળ્યા છે તે ચાર દિવસ જ કામ માટે નક્કી થવા જોઈએ. જોકે આ કંપની અને ત્યાં કામ કરતાં કર્મચારીઓ વચ્ચેની વાત છે, પરંતુ હું કહીશ કે જો કોઈ કંપની આમ કરશે તો તેના પર વિચાર કરવામાં આવી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, જો કોઈ કંપની તેના કર્મચારીઓ માટે કામના ચાર દિવસ રાખશે તો કર્મચારી ત્રણ દિવસમાં ક્યાંક ફરવા જઈ શકશે. જેનાથી દેશના ડૂબતા પર્યટન ક્ષેત્રને ઉગરવામાં ઘણી મદદ મળશે.