Nigeria Violence: મધ્ય નાઈજીરિયામાં સશસ્ત્ર જૂથોના હુમલામાં 113 લોકો માર્યા ગયા હતા. આ હુમલો શનિવાર અને રવિવારે થયો હતો. મધ્ય નાઇજીરિયાના પ્લૈટોમાં હિંસક અથડામણ થઇ હતી. નાઈજીરિયાનો આ વિસ્તાર ધાર્મિક અને વંશીય તણાવથી ઘેરાયેલો છે. અહીં અવારનવાર ખેડૂતો અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા છે. અગાઉ મે મહિનામાં પણ અહીં હિંસાની ઘટનાઓમાં 100થી વધુ લોકોના મોત થયા હતા.
આ પહેલા નાઈજીરિયન આર્મીના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે હુમલામાં 16 લોકોના મોત થયા છે. પરંતુ બાદમાં 113 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી હતી. પ્લૈટો રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારના રોજ હુમલાઓમાં 113 લોકો માર્યા ગયા હતા. અહીં ડાકુઓના એક જૂથે ઓછામાં ઓછા 20 સમુદાયો પર હુમલો કર્યો હતો. જેમાં 113 લોકોના મોત થયા છે જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે અધિકારીઓ તરફથી કોઈ સંકેત આપવામાં આવ્યો નથી. મધ્ય નાઇજીરિયામાં પ્લૈટો સ્ટેટ ઘણા વંશીય અને ધાર્મિક સમુદાયોનું ઘર છે. તાજેતરના સમયમાં આ વિસ્તારમાં હિંસાની ઘટનાઓ વધી છે અને કોમી સંઘર્ષમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીંના સંઘર્ષને ઘણીવાર મુસ્લિમ પશુપાલકો અને ખ્રિસ્તી ખેડૂતો વચ્ચેના વંશીય સંઘર્ષ તરીકે ગણવામાં આવે છે. પરંતુ આ તકરાર પાછળ અન્ય ઘણા કારણો છે.