Omicron in Netherland: કોરોનાનો વેરિયંટ ઓમિક્રોન આખી દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO અનુસાર, આ વાયરસ અત્યાર સુધીમાં 77 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને કોરોનાના કોઈપણ પ્રકાર કરતાં વધુ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે.
દરમિયાન, તમામ દેશો સંક્રમણની સાંકળને તોડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. લોકડાઉન લાદવાથી લઈને સાવચેતીના ભાગરૂપે પરીક્ષણ વધારવા સુધીના તમામ પગલાં લઈ રહ્યા છે. આ દરમિયાન કોવિડ -19 વ્યૂહરચના પર નેધરલેન્ડ્સને સલાહ આપતા આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું કે ઓમિક્રોનથી બચવા માટે દેશને સંપૂર્ણ લોકડાઉનમાંથી પસાર થવું પડશે.
આરોગ્ય પ્રધાન હ્યુગો ડી જોંગે શુક્રવારે કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા પ્રસારને લઈને ચિંતિત છે. હ્યુગો ડી જોંગે કહ્યું, 'હું મારા તરફથી કંઈ કહીશ નહીં પરંતુ સરકાર સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહનું પાલન કરશે. નેધરલેન્ડના PM માર્ક રૂટ આજે સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે બેઠક કરશે. આ મીટીંગમાં ઓમીકોનની ચેઇન તોડવા માટે લેવાતા પગલાઓ અંગે નિર્ણય લેવામાં આવશે.
સંપૂર્ણ લોકડાઉનનો થઈ રહ્યો ચૂક્યો છે વિરોધ
નેધરલેન્ડમાં નવેમ્બરમાં જ લોકોએ કોરોના વાયરસ સંબંધિત પ્રતિબંધોના વિરોધમાં હિંસક પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં ઘણા નાગરિકો ઘાયલ થયા હતા. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અહીં કોરોના વાયરસ સંબંધિત પ્રતિબંધો સામે વિરોધ થયો હોય. અગાઉ જાન્યુઆરીમાં પણ લોકોએ સંપૂર્ણ લોકડાઉનનો વિરોધ કર્યો હતો.
ભારતમાં શું છે ઓમિક્રોનની સ્થિતિ
દેશમાં કોરોના મહામારીના ઘટતા પ્રકોપ વચ્ચે ઓમિક્રોનના કેસ સતત વધતાં કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં ઓમિક્રોનના ૨૮ કેસ નોંધાતા કોરોનાના નવા વેરિઅન્ટના કુલ કેસ ૧૧૫ થયા છે. કેન્દ્ર સરકારે લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે લોકો સાવધાની નહીં રાખે અને કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરે તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. સરકારે લોકોને બિન આવશ્યક પ્રવાસ ટાળવો જોઈએ તેમજ નવા વર્ષની ઊજવણીઓ અને મેળાવડાઓ ટાળવા જોઈએ. દેશમાં શુક્રવારે એક સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના આઠ, દિલ્હીમાં ૧૨, કેરળ, તેલંગાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ૨-૨ કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કુલ ૪૦, દિલ્હીમાં ૨૨, રાજસ્થાનમાં ૧૭, કર્ણાટકમાં ૮, તેલંગાણામાં ૮, ગુજરાતમાં ૭, કેરળમાં ૭, ઉત્તર પ્રદેશમાં ૨, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ૧-૧ કેસ નોંધાયા છે.
ઓમિક્રોન અને કોરોના મહામારીએ વિશ્વભરમાં માથું ઉંચક્યું છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધતાં કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ઝડપે વધી શકે છે. દેશવાસીઓએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. નહીં તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે યુરોપમાં કોરોનાની નવી લહેર અંગે ચેતવણી આપી છે.