દુબઈઃ મિકેનિકથી બિજનેસમેન બનેલ એક ભારતીય દુબઈના જાણીતા બુર્જ ખલીફામાં 22 ફ્લેટ ખરીદીને એકાએક સમાચારમાં ચમકી ગયા છે. કેરળ સાથે સંબંધ ધરાવતા જ્યોર્જ વી નેરિયાપરામબિલે કહ્યું કે, તેમને આટલાથી જ સંતોષ નથી જો સારી અને આકર્ષક ઓફર મળસે તો તે આ પ્રકારના અન્ય ફ્લેટ પણ ખરીદશે.

ખલીજ ટાઈમ્સ સાથે વાત કરતાં જ્યોર્જે કહ્યું કે, જો મને સારી દરખાસ્ત મળશે તો હું વધારે ફ્લેટની ખરીદી કરીશ. હું સપના જોનારી વ્યક્તિ છું અને સપનું જોવાનું ક્યારેય નહીં છોડું. દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફામાં સૌથી વધારે ફ્લેટ ખરીદનાર વ્યક્તિમાં હવે તેમનું નામ સામેલ થઈ ગયું છે.

એક સાથે આટલા બધા ફ્લેટ ખરીદવા પાછળ પણ કહાની છે. એક વખત તેના એક સંબંધીએ આ 828 મીટર ઉંચી ઇમારતને લઈને તેના પર કટાક્ષ કર્યો હતો. તેનું તેમને ખોટું લાગી ગયું અને તેમણે પ્રોપર્ટી ખરીદવાનો નિર્ણય કર્યો. જ્યોર્જે કહ્યું, મારા સંબંધીએ મજાક ઉડાવતા કહ્યું, આ બુર્જ ખલીફાને જો, તું આમા અંદર પણ ન જઈ શકે.

ત્યાર બાદ 2010માં એક દિવસ સમાચારપત્રમાં આ ઈમારતમાં ભાડા પર ફ્લેટ સંબંધિત એક જાહારેત તેમણે જોઈ. તેમણે એ જ દિવસે તેને ભાડા પર લઈ લીધા અને બીજા દિવથી ત્યાં રહેવા લાગ્યા. હવે છ વર્ષ બાદ ખાડીના આ સૌથી પોશ એવા 900 એપાર્ટમેન્ટવાળી આ ઈમારતમાં તેની પાસે 22 ફ્લેટ છે. તેમાંથી પાંચ તેમણે ભાડા પર આપી દીધા છે અને બાકીના માટે ઓગ્ય ભાડુઆતની રાહ જોઈ રહ્યા છે.

જ્યોર્જની ખુદનીકહાની પણ ખૂબ જ રસપ્રદ છે. તેમનું કહેવું છે કે, જ્યારે 1976માં શારજાહ આવ્યા તો તેમણે અનુભવ્યું કે અહીંના ગરમ વાતાવરણમાં એર કન્ડીશનિંગના બિઝનેસ માટે અપાર સંભાવનાઓ છે. ત્યાર બાદ પોતાની મહેનતના દમ પર તેમણે જીઈઓ ગ્રુપ ઓફ કંપનીઝનું સામ્રાજ્ય ઉભું કર્યું.