Operation Kaveri:  સુદાન સંકટમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત વતન પરત લાવવા માટે ઓપરેશન કાવેરીને હવે ઝડપી કરવામાં આવ્યું છે. સુદાનમાં સેના અને અર્ધલશ્કરી જૂથ વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલુ છે જેમાં અત્યાર સુધીમાં 400 થી વધુ લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા ભારતીય લોકો અંગે ભારત સરકારની ચિંતા વધી છે. હવે વધુ 135 ભારતીયો સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યા છે. આ લોકો IAF C-130J વિમાનમાં સવાર છે. તેમને મુશ્કેલીગ્રસ્ત સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.






આ પહેલા બુધવારે (26 એપ્રિલ) સવારે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને 148 ભારતીયોની બીજી બેચનું સ્વાગત કર્યું હતું. આ સિવાય અન્ય નૌકાદળનું જહાજ INS સુમેધા 278 મુસાફરો સાથે જેદ્દાહ બંદરે પહોંચ્યું હતું. દરમિયાન, વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે ઓપરેશન કાવેરી પૂરજોશમાં ચાલી રહ્યું છે. બીજી IAF C-130J ફ્લાઇટ પોર્ટ સુદાનથી 135 વધુ મુસાફરોને લઈને જેદ્દાહ પહોંચી છે. ઓપરેશન કાવેરી હેઠળ બહાર કાઢવામાં આવેલા લોકોની આ ત્રીજી બેચ છે.


સુદાનમાં આશરે 3,000 ભારતીયો છે


સમગ્ર સુદાનમાં લગભગ 3,000 ભારતીયો છે. સુદાનની રાજધાની ખાર્તુમમાં અનેક સ્થળોએથી ભારે લડાઈના અહેવાલો સાથે સુદાનમાં સુરક્ષાની સ્થિતિ અસ્થિર છે. છેલ્લા 10 દિવસથી અહીં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની ભીષણ લડાઈમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.


PM મોદીની સૂચના બાદ વિદેશ મંત્રાલય એક્શનમાં


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (21 એપ્રિલ) એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી હતી. વિદેશ મંત્રી જયશંકરે તાજેતરમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના વિદેશ મંત્રીઓ સાથે સુદાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.


Sudan WHO: સુદાનમાં બાયોલોજીકલ યુદ્ધ ફાટી નિકળવાના એંધાણ! દુનિયામાં ફફડાટ


Sudan Fighters : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આજે સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને ચેતવણી આપી છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે, લડવૈયાઓએ એક કેન્દ્રીય જાહેર પ્રયોગશાળા પર કબજો કરી લીધો છે જેમાં પોલિયો અને ઓરી સહિતના ગંભીર રોગોના નમૂનાઓ રાખવામાં આવ્યા હતા. સંગઠનનું કહેવું છે કે, આનાથી 'અત્યંત, અત્યંત ખતરનાક' સ્થિતિ સર્જાઈ છે. WHOના તાજેતરના ડેટા અનુસાર, સુદાનની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) અર્ધલશ્કરી દળો વચ્ચે 15 એપ્રિલના રોજ લડાઈ શરૂ થઈ હતી. તેમાં ઓછામાં ઓછા 459 લોકોના મોત થયા છે અને 4072 લોકો ઘાયલ થયા છે.


સુદાનમાં WHOના પ્રતિનિધિ, નીમા સઈદ આબિદે જિનીવામાં એક વીડિયો લિંક દ્વારા પત્રકારોને જણાવ્યું હતું કે, લડાઈ જૂથ દ્વારા કેન્દ્રીય જાહેર આરોગ્ય પ્રયોગશાળાનો કબજો એક વિશાળ જૈવિક જોખમ ઊભું કરે છે. તેમણે કહ્યું હતું કે, ટેકનિશિયન સામગ્રીને સુરક્ષિત કરવા માટે લેબ સુધી પહોંચવામાં સક્ષમ નથી. સઈદ આબિદે કહ્યું હતું કે, આ ગંભીર ચિંતાની બાબત છે, ટેકનિશિયન લેબમાં જઈને જૈવિક સામગ્રીને સુરક્ષિત કરવામાં અસમર્થ છે.' કયા પક્ષે લેબ પર કબજો જમાવી લીધો છે તે બાબતની હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી