પાપુઆ ન્યુ ગીનીમાં ભૂસ્ખલનને કારણે 2 હજારથી વધુ લોકોના મોતની આશંકા છે. પહેલા આ સંખ્યા 670 હોવાનું માનવામાં આવતું હતું પરંતુ હવે મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. રાહત-બચાવ કર્મીઓ માટી નીચે દટાયેલા લોકોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીના સરકારી ડિઝાસ્ટર સેન્ટરે જણાવ્યું કે ભૂસ્ખલનને કારણે 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત એન્ગા પ્રાંતના એક ગામમાં ગયા શુક્રવારે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે અનેક ઘરોમાં સૂતેલા લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ તરત જ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે 100થી વધુ લોકોના મોત થઈ શકે છે. બાદમાં તેમાં સુધારો કરીને 670 કરવામાં આવ્યો હતો.






નેશનલ ડિઝાસ્ટર સેન્ટરના કાર્યવાહક નિર્દેશક લુસેતે લાસો માનાએ સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે 2,000 થી વધુ લોકો જીવતા દટાઈ ગયા હતા અને ઈમારતો અને ખેતરોને મોટા પાયે નુકસાન થયું હતું, જેની અસર દેશની આર્થિક સ્થિતિ પર થઇ શકે છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ અસ્થિર બની ગઈ છે કારણ કે ભૂસ્ખલન ધીમે ધીમે થઈ રહ્યું છે, જે લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે ભૂસ્ખલનને કારણે ઘણા વિસ્તારોને જોડતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. પાપુઆ ન્યુ ગિનીમાં લગભગ 10 મિલિયન લોકો રહે છે. ખરાબ રસ્તા અને ભૂસ્ખલનને કારણે બચાવકર્મીઓ માટે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે.


દટાયેલા લોકોને શોધવા પડકારરૂપ


સિડની યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગના સ્કૂલના એસોસિયેટ પ્રોફેસર પિયર રોગનોને જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી ધરાશાયી થયેલી ઈમારતો અને લોકો ઘણા મીટર નીચે દટાઈ ગયા પછી લોકોને શોધવાનું કામ ખૂબ જ પડકારજનક છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ એડિલેડ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર એલન કોલિન્સે જણાવ્યું હતું કે આ ખૂબ જ વરસાદી વિસ્તાર હતો, તેથી અહીં આવું બન્યું હશે. કોલિન્સે કહ્યું કે ભૂસ્ખલન સીધું ભૂકંપને કારણે થયું નથી. વરસાદના કારણે પર્વતીય ઢોળાવ બનાવનારા ખડકો નબળા પડી ગયા હશે.