આ પ્લેન પર આકાશમાંથી વીજળી પડી અને તે અચાનક 2 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. પાઈલટની મદદથી તાત્કાલિક નજીકના તમામ એર ટ્રાફિક કંટ્રોલર પાસે એલર્ટ મોકલવામાં આવ્યું હતું. આ વિમાનને ખતરો છે તેવું જોતાં એક પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર (ATC) મદદે આવ્યું હતું અને દુર્ઘટના થતાં બચી ગઈ હતી.
પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના એક એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ની સાવધાનીથી 150 મુસાફરોને લઈ જઈ રહેલ ભારતીય પ્લેન દુર્ઘટનાનો શિકાર થતાં બચી ગયું હતું. ભારતીય વિમાનના પાયલટ તરફથી તાત્કાલિક એલર્ટનો સંદેશો મળતાં જ પાકિસ્તાની ATC મદદે આવ્યું અને ભારતીય વિમાનને સુરક્ષિત રસ્તો બતાવ્યો હતો.
જયપુરથી ઓમાનની રાજધાની મસ્કટ જઈ રહેલા વિમાનના પાયલટે ખરાબ વાતાવરણના કારણે આ સંદેશો જાહેર કર્યો હતો. આ વિમાન ગુરૂવારે કરાચી ક્ષેત્ર ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આકાશમાં ત્રાટકી રહેલી વીજળીની ચપેટમાં આવ્યું હતું. આ વિમાન અચાનક 36,000 ફૂટની ઊંચાઈથી નીચે 34,000 ફૂટની ઊંચાઈ પર આવી ગયું હતું. વિમાનના પાયલટે ઈમરજન્સી પ્રોટોકલ જાહેર કર્યો હતો અને નજીકના સ્ટેશનને ખતરાની સૂચના આપી હતી.
પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે પાયલટની ચેતવણીની પ્રતિક્રિયા આપી હતી અને ભારતીય વિમાનને સારો રસ્તો બતાવ્યો હતો. ત્યાર બાદ ભારતીય વિમાન પાકિસ્તાનની હવાઈ સીમામાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યું હતું.