Imran Khan News: પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની મંગળવારે સાંજે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારથી ઇમરાનની ધરપકડ થઈ છે ત્યારથી તેમની પાર્ટીના સમર્થકો અને સેના આમને-સામને આવી ગયા છે. અનેક જગ્યાએ આગચંપી, હિંસા ફાટી નીકળી છે હિંસામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાને પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સેના બોલાવી
ઈમરાન ખાનને લઈને કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી દરમિયાન પૂર્વ પીએમ ઈમરાને અનેક દાવા કર્યા હતા. તેણે કહ્યું કે તેને કસ્ટડીમાં ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં સૈન્ય શાસન લાદવામાં આવ્યું છે. પાકિસ્તાને પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સેના બોલાવી છે.
સમગ્ર વિશ્વમાં ઈમરાન ખાનના સમર્થકો બહાર આવી રહ્યા છે
માત્ર પાકિસ્તાનમાં જ નહીં સમગ્ર વિશ્વમાં લોકો ઈમરાન ખાનના સમર્થનમાં આગળ આવી રહ્યા છે.અમેરિકાથી લઈને બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોમાં ઈમરાન ખાનના સમર્થકો એકઠા થઈ રહ્યા છે. તેઓ ઈમરાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે.
મંગળવારે શું થયું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે (9 મે) બપોરે ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC)માંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અલ કાદિર ટ્રસ્ટના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને લઈને સમગ્ર પાકિસ્તાનમાં ગરમીનો માહોલ છે. પીટીઆઈ સમર્થકોએ પાક આર્મી કમાન્ડરોના ઘરોમાં તોડફોડ કરી હતી. તેમના ઘરો પણ લૂંટાયા હતા. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, હિંસામાં 15 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ધરપકડ બાદ પાકિસ્તાનમાં માર્શલ લૉ લગાવવાની તૈયારી ચાલી રહી છે.
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિ બાદ ત્યાં યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાંની શાહબાઝ સરકારે અફવાઓ પર કાબૂ મેળવવા માટે આવું કર્યું છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ફક્ત સરકારી સંસ્થાઓને જ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મંજૂરી આપવામાં આવશે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટે ધરપકડને સમર્થન આપ્યું હતું
ઈમરાન ખાનની ધરપકડ બાદ રાજકીય ડ્રામા ચાલુ રહ્યો હતો. હાઈકોર્ટે પહેલા તેને ગેરકાયદે જાહેર કર્યો અને પછી કાયદેસર કર્યો. પાકિસ્તાની ન્યૂઝ પોર્ટલ ડોને તેના અહેવાલમાં આ માહિતી પ્રકાશિત કરી છે. અગાઉના દિવસે, ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આમેર ફારૂકે કહ્યું હતું કે જો પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના વડાની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે, તો તેમને છોડવા પડશે. કોર્ટે આ નિર્ણય અનામત રાખ્યો હતો. થોડા કલાકો પછી, કોર્ટે કહ્યું કે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) એ ઈમરાનની ધરપકડ કરતી વખતે તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે.