પાકિસ્તાન નેશનલ એસેમ્બલીની વિશેષ બેઠક અવિશ્વાસ પ્રસ્તાવ પર કોઈપણ ચર્ચા વિના 28 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પીટીઆઈના એક સાંસદના મોત પર શોક વ્યક્ત કર્યા બાદ કાર્યવાહી 28મી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. દરમિયાન, રવિવારે 27 માર્ચે યોજાનારી રેલી માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર લોકોને મોટી સંખ્યામાં સામેલ થવા માટે અપીલ કરી હતી. સંસદની પરીક્ષા પહેલા ઈમરાન રસ્તા પર શક્તિપ્રદર્શન કરવા માંગે છે.
8મી માર્ચે પાકિસ્તાનના વિરોધ પક્ષોએ નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો હતો. ઈમરાન ખાનને 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં પોતાની સરકાર બચાવવા માટે 172 સભ્યોની જરૂર છે. આજે એટલે કે શુક્રવારે નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો હતો. પરંતુ સ્પીકરે સત્રને સોમવાર સુધી સ્થગિત કરી દીધું હતું.
આ પહેલા ગુરુવારે પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદે કહ્યું હતું કે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના કારણે સર્જાયેલી વર્તમાન રાજકીય અસ્થિરતાને ખતમ કરવા માટે દેશમાં વહેલી ચૂંટણી યોજવામાં આવી શકે છે. ગૃહ પ્રધાને પક્ષના બળવાખોરોને ચેતવણી આપી હતી કે તેમના માટે પક્ષ બદલવો યોગ્ય રહેશે નહીં. પાકિસ્તાનના વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે દેશમાં આર્થિક સંકટ અને વધતી મોંઘવારી માટે ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકાર જવાબદાર છે.
ખાન ગઠબંધન સરકાર ચલાવી રહ્યા છે અને જો કોઈ ભાગીદાર સમર્થન પાછું ખેંચવાનું નક્કી કરે તો તેમને હટાવવામાં આવી શકે છે. વડાપ્રધાનને જ્યારે તેમના સાથી પક્ષોના 23 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન તેમને સમર્થન આપવાનો સ્પષ્ટ સંકેત આપવાનો ઈનકાર કર્યો હતો.
એટલું જ નહી ઇમરાનના પક્ષના લગભગ બે ડઝન સભ્યોએ બળવાખોર વલણ અપનાવ્યું છે. જો કે, ખાન અને તેમના મંત્રીઓ બધુ સારુ હોવાનો અને તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પડી જશે તેવું જણાવી રહ્યા છે.