Bus Accident In Pakistan:  પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 17 જૂન શનિવારની સાંજે એક મોટો જીવલેણ અકસ્માત થયો હતો. અહીં ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ. આ અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.


ડોનના અહેવાલ મુજબ આ બસ ઈસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી. તે જ સમયે ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર કલ્લાર કહાર પાસે ચાલું બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. નેશનલ હાઈવે એન્ડ મોટરવે પોલીસ (NHMP) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે NHMPના કર્મચારીઓ અકસ્માત સ્થળ પર બચાવ કામગીરીમાં રોકાયેલા છે. એક અધિકારીએ જણાવ્યું કે મૃત્યુઆંક વધી શકે છે.


કલ્લાર કહાર પાસે મોટરવે પર બસ ડિવાઈડર સાથે અથડાઈ 
પાકિસ્તાનની રેસ્ક્યુ 1122 સર્વિસના પ્રવક્તા ફારૂક અહેમદે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પાંચ મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ત્યારે બની જ્યારે એક બસ કલ્લાર કહાર પાસે મોટરવે પર ડિવાઈડર સાથે અથડાઈ. બ્રેક ફેઈલ થવાના કારણે બસના ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પછી તે ડિવાઈડર લાઈનમાં અથડાઈને પલટી ગઈ હતી.


રેસ્ક્યુ ટીમની રાહત કામગીરી ચાલુ છે: પોલીસ
પાકિસ્તાન ડેલીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોટરવે પોલીસનું રાહત અભિયાન ચાલુ છે અને મૃતદેહો અને ઘાયલોને તબીબી સહાય માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ કલ્લાર કહાર પાસે એક બસ ખાડામાં પડીને પલટી જવાથી મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 14 મુસાફરોના મોત થયા હતા અને 64 ઘાયલ થયા હતા. તેઓ લગ્નની પાર્ટીમાં ગયા હતા.


યુગાન્ડામાં ISIS સાથે જોડાયેલા બંદૂકધારીઓએ સ્કૂલ પર કર્યો હુમલો


આફ્રિકન દેશ યુગાન્ડાના પશ્ચિમ ભાગમાં સ્થિત એક સ્કૂલ પર ISIS સાથે જોડાયેલા બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 25 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટના 16મી જૂનની મોડી રાતની છે. યુગાન્ડા પોલીસ ફોર્સે માહિતી આપી હતી કે યુગાન્ડાના પશ્ચિમ ભાગમાં આવેલી એમપોંડવેમાં લુબિરા સેકન્ડરી સ્કૂલમાં થયેલા આતંકવાદી હુમલામાં 25 લોકો માર્યા ગયા હતા.