પાકિસ્તાન: પાકિસ્તાનની એક કોર્ટે મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદને ટેરર ફંડિંગ મામલે ગુરૂવારે 15 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે તેના પર બે લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. 70 વર્ષના સઇદ પહેલા પણ ટેરર ફંન્ડિંગના ચાર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે અને તેને 21 વર્ષની સજા થઈ હતી. ટેરરફન્ડિંગના 5 મામલાઓમાં તેણે લાહોરની કોટ લખપત જેલમાં 36 વર્ષની સજા કાપવી પડશે.


એવા પણ અહેવાલ આવ્યા હતા કે હાફિઝ સઇદને જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનયી છે કે, FATFએ ફેબ્રુઆરી 2021 સુધી પાકિસ્તાનને ‘ગ્રે’ લિસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી બહાર આવવા માટે પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહી કરાવાના પેતરા અપનાવી રહ્યું છે.

હાફિઝ સઇદને ગત વર્ષે 17 જુલાઈનાં રોજ પકડવામાં આવ્યો હતો. ત્યારથી તે જેલની સજા ભોગવી રહ્યો છે. ફેબ્રુઆરીમાં ટેરર ફંડિંગમાં દોષી જાહેર થયા બાદ કોર્ટે તેને 11 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જે બાદ વધુ બે મામલામાં 5 વર્ષની સજા સંભળાવી હતી. સઇદ વિરૂદ્ધ આતંકિ ફંડિંગ, મની લોન્ડ્રિંગ અને ગેરકાયદે દબાણ સહિત કુલ 23 કેસ છે.