નવી દિલ્હીઃ ભારતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ઇન્ટરનેશનલ સ્તર પર ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને અંદાજ પ્રમાણે સફળતા મળતી જોવા મળી રહી નથી. હવે આ વાત પાકિસ્તાની વિદેશ મંત્રી મહમૂદ કુરેશીએ અપ્રત્યક્ષ રીતે સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં કોઇ હાર લઇને ઉભુ નથી અને આ માટે અમને ખૂબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

બકરી ઇદના અવસર પર પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ આજે સોમવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક લોકો સાથે નમાજ પઢી હતી અને બકરી ઇદ મનાવી હતી. આ અવસર પર તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં એક સવાલના જવાબમાં કહ્યુ હતું કે, તમે જાણો છો કે દુનિયાના તેમની સાથે પોતાના હિત છે. મે અગાઉ પણ તમને ઇશારામાં કહી દીધુ હતુ કે ત્યાં એક અબજનું બજાર છે.

પીઓકેમાં કુરેશીએ કહ્યું કે, આપણે મૂર્ખોના સ્વર્ગમાં રહેવું જોઇએ નહીં. પાકિસ્તાની અને કાશ્મીરીઓએ એ જાણવું જોઇએ કે કોઇ તમારા પાસે ઉભુ નથી.તમારે મહેનત કરવી પડશે. આપણે ઉમ્માહ અને ઇસ્લામની વાત કરીએ છીએ પરંતુ તેમણે ત્યાં ખૂબ રોકાણ કર્યું છે અને તેમના પોતાના ફાયદા છે.

તેમણે કહ્યું કે, લાગણીશીલ થવું ખૂબ સરળ છે. મને બે મિનિટ લાગશે. 35-36 વર્ષથી રાજકારણ કરી રહ્યો છું. આ મારા માટે ડાબા હાથનો ખેલ છે. સંયુક્ત રાષ્ટ્રમાં કોઇ પણ હાર માટે નથી ઉભું, આપણે એ માટે સંઘર્ષ કરવું પડશે. સુરક્ષા પરિષદના પાંચ સભ્યોમાંથી એક પણ આપણા વિરુદ્ધ જઇ શકે છે.