ઇસ્લામાબાદઃ દુનિયાભરમાં જમ્મુ કાશ્મીર મામલા પર માનવાધિકારની વાત કરનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના દેશમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનને સૈન્ય મારફતે કચડવાનો પ્રયાસમાં છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં ઇમરાન સરકાર રાજધાની ઇસ્લામાબાદમાં વિપક્ષના માર્ચને રોકવા માટે સૈન્ય બોલાવી શકે છે. વિપક્ષી દળોએ ઇમરાન ખાન પર ચૂંટણીમાં ગોટાળો કરી સત્તામાં આવવાનો આરોપ લગાવતા વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
વિપક્ષ દળ જમીયત ઉલેમા-એ-ઇસ્લામના ચીફ મૌલાના ફઝલે જાહેરાત કરી છે કે તે 31 ઓક્ટોબરના રોજ સરકાર વિરુદ્ધ ઇસ્લામાબાદમાં માર્ચ કરશે. આ માર્ચને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, એએનપી અને પખ્તૂનખ્વા મિલ્લી અવામ પાર્ટીએ સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાની ન્યૂઝપેપર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ અનુસાર, સરકાર વિપક્ષી દળોની આ માર્ચને વિખેરવા માટેની રણનીતિ તૈયાર કરી રહી છે. જે હેઠળ સૈન્યને ઇસ્લામાબાદમાં તૈનાત કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે.
રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન ઇમરાન ખાનના નિવાસસ્થાન પર કાયદો વ્યવસ્થાને લઇને બેઠક દરમિયાન વિરોધ પ્રદર્શનને લઇને અનેક વિકલ્પો પર વિચાર કરાયો હતો. બેઠક દરમિયાન કહેવામાં આવ્યું કે, શાંતિપૂર્ણ પ્રદર્શન કોઇનો પણ હક છે પરંતુ ઇસ્લામાબાદને સીઝ કરવાનો હક કોઇને ન આપી શકાય. આ બેઠક દરમિયાન સંવેદનશીલ સરકારી સંસ્થાઓ અને વિદેશી દૂતાવાસોની સુરક્ષાને લઇને ચર્ચા થઇ હતી.