ઈસ્લામાબાદ: ફાઇનાંશિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર આવવા માટે પાકિસ્તાને 88 પ્રતિબંધિત આતંકવાદી, આતંકી સંગઠનો અને હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહીમ સહિત અને આકાઓ પર આકરા નાણાકીય પ્રતિબંધ લગાવ્યા છે.


અહેવાલ અનુસાર, આ આતંકી સંગઠનો અને તેના આકાઓની તમામ સંપત્તીઓ જપ્ત કરવા અને બેન્કના ખાતાઓ સીલ કરવાના આદેશ અપાયા છે. પેરિસ સ્થિત FATF એ જૂન, 2018માં પાકિસ્તાનને ‘ગ્રે લિસ્ટ’માં નાખ્યું હતું અને ઈસ્લામાબાદને 2019ના અંત સુધી કાર્ય યોજના લાગુ કરવા કહ્યું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તેની સમય મર્યાદા વધારાઈ હતી.

પાકિસ્તાને સરકારે હાલમાંજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ( UNSC) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીના અનુપાલનમાં આતંકી સંગઠનોના 88 આકાઓ અને સભ્યો પર પ્રતિબંધ લગાવ્યા છે. જમાત-ઉદ-દાવાસ જૈશ-એ-મોહમ્મદ તાલિબાન, દાએશ, હક્કાની સમૂહ, અલકાયદા અને અન્ય પર પ્રતિબંધ લગાવ્યા છે. અહેવાલ અનુસાર સરકારે આ તમામ સંગઠનો અને આકાઓની તમામ ચલ અને અચલ સંપત્તિઓ જપ્ત કરવા અને તેના બેન્ક ખાતાને સીલ કરવાના આદેશ આપ્યા છે.

સરકારે 18 ઓગસ્ટે બે નોટિફિકેશન જાહેર કરી 26/11 મુંબઈ હુમલાનું ષડયંત્ર રચનાર અને જમાત-ઉદ-દાવાને સરગના સઈદ, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહર અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમ પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. સાથે જ તેમની મુસાફરી પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.