નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક મોટો વિમાન દુર્ઘટના બની છે. લાહોરથી કરાચી જઈ રહેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશ થઈ હતી. ડૉન ન્યૂઝ અનુસાર, A-320 વિમાનમાં કુલ 107 લોકો સવાર હતા. જેમાં 99  મુસાફરો અને આઠ ક્રૂ મેમ્બર સામેલ હતા. વિમાને લાહોરથી કરાચી માટે ઉડાન ભરી હતી. પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સતારે વિમાન ક્રેશ થવાની ઘટનાની પુષ્ટી કરી છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 15-20 લોકોને કાઢવામાં આવ્યા છે. વિમાન અંદાશે 10 વર્ષ જૂનું હતું.



દુર્ઘટના સ્થળ પર ઘુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. બચાવ અધિકારીઓ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે. વિમાન દુર્ઘટનાના કારણે કરાચીની તમામ મોટી હોસ્પિટલોમાં ઈમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે.



પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સએ ટ્વિટ કરી જણાવ્યું કે પાકિસ્તાન સેનાના હેલિકોપ્ટર રાહત-બચાવ માટે પહોંચી રહ્યા છે. સેનાની ક્વિક એક્શન ટીમ અને પાકિસ્તાની સૈનિક નાગરિક સાથે રાહત અને બચાવ કાર્ય માટે ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે.