Imran Khan Arrest Row: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડને લઈને લાહોરમાં ભારે હંગામો થયો છે. છેલ્લા બે દિવસથી અહીં ભારે અરાજકતાનો માહોલ છે. આ દરમિયાન હાઈકોર્ટે ઈમરાન ખાનને મોટી રાહત આપી છે. લાહોર હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડ માટે જમાન પાર્કમાં પોલીસ ઓપરેશનને તત્કાળ રોકવાનો આદેશ આપ્યો છે.



લાહોર હાઈકોર્ટ વતી કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી ઈસ્લામાબાદ હાઈકોર્ટ તરફથી આગામી આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી પોલીસે ઈમરાન ખાનની ધરપકડ માટે ઝમાન પાર્કમાં પોતાનું અભિયાન બંધ કરી દેવું જોઈએ. જો કે, આ આદેશ આવતીકાલે ગુરુવાર 16 માર્ચ સવારે 10 વાગ્યા સુધી જ અમલી રહેશે. જ્યારે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા વિસ્તારની ઘેરાબંધી આગામી આદેશો સુધી યથાવત રહેશે.

પોલીસ ઈમરાનની ધરપકડ કર્યા વગર જ પાછી ફરી

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ એટલે કે ઈમરાન ખાનની ધરપકડ કરવાના પોલીસ અને રેન્જર્સના દરેક પ્રયાસ નિષ્ફળ ગયા. 'જિયો ન્યૂઝ' અનુસાર, પોલીસ અને રેન્જર્સની ટીમ બુધવારે સાંજે ખાનના લાહોર બંગલા જમાન પાર્કથી પરત ફરી હતી. ત્યાંથી સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, તે વીડિયો ફૂટેજમાં ઈમરાનના સમર્થકો ઉજવણી કરતા જોઈ શકાય છે.

પોલીસે શરૂ કરી બહાનાબાજી

નવાઈની વાત તો એ છે કે, ખાલી હાથે પરત ફરતી પોલીસે પોતાની નિષ્ફળતા પાછળ ક્રિકેટ મેચને કારણ ગણાવી છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, લાહોરમાં 19 માર્ચ સુધી ક્રિકેટ મેચ રમાશે, તેથી તેઓ નથી ઈચ્છતા કે શહેરમાં કોઈ સમસ્યા ઉભી થાય. લાહોરના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, અમે ઇમરાન ખાનની ધરપકડને ટાળવાનો નિર્ણય લીધો છે અને આ એટલા માટે છે કારણ કે પાકિસ્તાન સુપર લીગ - સીઝન આઠ (PSL-8)ની મેચો 15 થી 19 માર્ચ દરમિયાન લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમવાની છે.
પોલીસ અધિકારીએ સ્વીકાર્યું હતું કે, જો લાહોરમાં અરાજકતા અને હિંસાનું વાતાવરણ યથાવત રહેશે તો પાકિસ્તાની અને વિદેશી ખેલાડીઓ અને દર્શકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી હાલ પુરતું પોલીસ પરત ફરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે 19 માર્ચે ફાઈનલ મેચ યોજાશે ત્યાર બાદ જ પોલીસ ફરીથી ઈમરાનના ઘર પર દસ્તક દેશે.


આ પણ વાંચોઃ


Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાએ ઉંચક્યું માથું, આ મોટા શહેરમાં 49 કેસ નોંધાતા ફફડાટ