Pakistan Pm Shehbaz Sharif : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આખરે ઢીલા ઢફ પડી ગયા છે. પાડોશી દેશ પાકિસ્તાન હવે નાકલીટી તાણીને ભારત સાથે વાતચીત કરવા તડપી રહ્યુંછે. ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જ આ ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ પ્રાદેશિક વિકાસને આગળ વધારવાના પ્રયાસોના ભાગરૂપે ભારત સાથે વાત કરવા માંગે છે.
આ સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે, પાકિસ્તાન કોઈની પણ વિરુદ્ધ તેના દિલમાં કંઈપણ રાખતું નથી. પાકિસ્તાની મીડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે, બંને દેશો વચ્ચે વણસેલા સંબંધો અને 1947માં તેમની આઝાદી બાદ ત્રણ યુદ્ધો ખેલાયા હોવા છતાં પીએમ હવે મૂલ્યવાન સંબંધોને પ્રાથમિકતા આપવા માંગે છે.
જોકે શાહબાઝે મૂકી એક શરત
પીએમ શહેબાઝ શરીફે કહ્યું હતું કે, પાકિસ્તાન છેલ્લા 75 વર્ષમાં ભારત સાથે ત્રણ યુદ્ધ લડી ચુક્યું છે. પરિણામે દેશમાં માત્ર ગરીબી, બેરોજગારી અને નિરક્ષરતા, નબળી આરોગ્ય વ્યવસ્થા અને સંસાધનોનો અભાવ વધ્યો છે. ઓગસ્ટ 2019માં ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો હતો. ત્યારથી દ્વિપક્ષીય સંબંધોને ગંભીર અસર થઈ છે. આ સાથે બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીત પણ બંધ થઈ ગઈ છે.
પાકિસ્તાનના પીએમ શાહબાઝ મિનરલ્સ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. મંગળવારથી શરૂ થયેલી આ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, અમે સૌકોઈ સાથે વાત કરવા તૈયાર છીએ પછી ભલે તે અમારા પાડોશી કેમ ના હોય. પરંતુ એકમાત્ર શરત એ છે કે, પાડોશીએ ટેબલ પર ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ કારણ કે યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી.
પાકિસ્તાનની શક્તિની યાદ અપાવી
આ કોન્ફરન્સ રાજધાની ઈસ્લામાબાદમાં યોજાઈ રહી છે. સમિટનો ઉદ્દેશ્ય દેશમાં સીધા વિદેશી રોકાણને આકર્ષવાનો છે. અમેરિકા અને ભારત સાથે કામ કરવા પર ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ના બીજા તબક્કાની શરૂઆતનો ઉલ્લેખ કરતા શાહબાઝે આ ટિપ્પણી કરી હતી. શાહબાઝ એ યાદ અપાવવાનું પણ ભૂલ્યા નહોતા કે, પાકિસ્તાન પરમાણુ શક્તિથી સજ્જ દેશ છે. પરંતુ તેમણે દાવો કર્યો હતો કે, આ હથિયારોનો હેતુ તેમના સંરક્ષણ ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાનો છે.
પરમાણુ હુમલાની ધમકી
શાહબાઝે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સાથે યુદ્ધ દ્વારા નહીં પરંતુ ક્ષેત્રમાં આર્થિક સ્પર્ધા દ્વારા જવાબ આપવાનો આ સમય છે. તેમણે કહ્યું હતું કે, જો પરમાણુ હુમલો થયો હોત તો શું થયું તે કહેવા કોણ જીવિત રહે? તેથી યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી. પાકિસ્તાન આ મુદ્દાને સમજે છે ત્યારે ભારત માટે પણ તે સમજવું એટલું જ જરૂરી છે. પીએમ શાહબાઝના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી પાકિસ્તાનના ગંભીર મુદ્દાઓને શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ ચર્ચા દ્વારા સમજવામાં અને ઉકેલવામાં નહીં આવે ત્યાં સુધી તે સામાન્ય પાડોશી બની શકે નહીં.