ઇસ્લામાબાદઃ બે દિવસ માટે પાકિસ્તાનની મુલાકાતે પહોંચેલા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનની સાથે 20 અબજ ડોલરની સમજૂતીની જાહેરાત કરી છે. જેમાં ગ્વાદર નજીક એક ઓઈલ રિફાઇનરીમાં 8 અબજ ડોલરના રોકાણનો પણ સમાવેશ થાય છે.




પાકિસ્તાન પહોંચેલા ક્રાઉન પ્રિન્સે કહ્યું કે, પાકિસ્તાનનું ભવિષ્ય ઉજળું છે. ગત વર્ષે પણ પાકિસ્તાને પાંચ ટકાના દરે આર્થિક પ્રગતિ કરી હતી અને હાલના નેતૃત્વમાં પાકિસ્તાનનું ભવિષ્ય ઉજળું છે. તેથી જ અમે પાકિસ્તાનની સાથે 20 અબજ ડોલરની સમજૂતી કરી રહ્યા છીએ. અને પાકિસ્તાનમાં સાઉદી રોકાણની આ તો શરૂઆત છે.



સાઉદી ક્રાઉન પ્રિન્સ જ્યારે પાકિસ્તાન પહોંચ્યા તો તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન ઈમરાન ખાન અને સૈન્ય પ્રમુખ કમર જાવેદ બાજવા એરપોર્ટ પર મોજૂદ હતા. ઇમરાન ખાન ક્રાઉન પ્રિન્સને લઇને પોતાની કારમાં બેસાડીને વડાપ્રધાન આવાસ સુધી લઈ ગયા. આ દરમિયાન ઇમરાન ખાને જાતે જ કાર ડ્રાઇવ કરી હતી.