Pakistan Thousands Applicants : પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી ભયંકર આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં મોંઘવારી તેના ચરમ પર છે. લોકોને ખાવાના ફાંફા પડી રહ્યાં છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના લોકો માટે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જેના કારણે પાકિસ્તાનમાં લાખો શિક્ષિત યુવાનો નોકરી માટે ઘરે-ઘરે ધક્કા ખાઈ રહ્યા છે. તેનો ચિતાર તાજેતરમાં જ સામે આવેલી એક તસવીર પણ આપી જાય છે. 


જેમાં માત્ર ગણતરીની સરકારી પદ માટેની ભરતીમાં લાખો યુવાનો ઉમટી પડે છે અને તે પણ જમીન પર બેસીને પરીક્ષા આપવા મજબુત બન્યા છે. સ્થિતિ એવી છે કે લાખો લોકો અમુક નોકરીની જગ્યાઓ માટે એકઠા થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ પોલીસમાં 1667 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી હતી જેના માટે લાખો લોકો ઇસ્લામાબાદના સ્ટેડિયમ પહોંચ્યા હતા.


પાકિસ્તાનમાં રોજગારના અભાવને કારણે અને દેશ દેવાના બોજમાં ડૂબી રહ્યો છે. ત્યાંની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. પાકિસ્તાની સેના પ્રમુખે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે શનિવારે કહ્યું કે દેશ એક નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાનની હાલત કેટલી ખરાબ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાંના લોકોને પ્લાસ્ટિકમાં ભરેલા એલપીજીનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવે છે જે અત્યંત જોખમી છે.


સ્થિતિ એવી છે કે ભરતી માટે લાખો અરજીઓ આવી રહી છે. હાલમાં જ એક તસવીર સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તસવીર ઈસ્લામાબાદ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની છે. અહીં પોલીસ નોકરીઓમાં 1667 બેઠકો માટે 32000 ઉમેદવારોએ ભાગ લીધો હતો અને પરીક્ષા આપી હતી. ઈસ્લામાબાદ પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી હતી. પરીક્ષાના તમામ તબક્કા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ જમીન પર બેસીને પરીક્ષા આપી હતી. સામાન્ય રીતે પરીક્ષા શાળા કોલેજોના રૂમમાં બેઠક વ્યવસ્થા ગોઠવીને લેવામાં આવતી હોય છે. 


પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ (PIDE) દ્વારા 2022માં બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દેશના 31 ટકાથી વધુ યુવાનો હાલમાં બેરોજગાર છે. આ 31 ટકામાંથી 51 ટકા મહિલાઓ છે જ્યારે 16 ટકા પુરૂષો છે, જેમાંથી ઘણા ડિગ્રી ધારક છે. પાકિસ્તાનની લગભગ 60 ટકા વસ્તી 30 વર્ષથી ઓછી વયની છે. જ્યારે વર્તમાન બેરોજગારી દર 6.9 ટકા છે.


વિનાશના આરે ઉભુ પાકિસ્તાન હવે આતંકને લઈને ચિંતિત


આતંકવાદના કારણે તબાહીના આરે ઉભેલા પાકિસ્તાન માટે પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક છે. પાકિસ્તાનના નવા આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે પણ કહ્યું છે કે પાકિસ્તાનમાં સ્થિતિ સારી નથી. દેશ તેના સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને અર્થતંત્ર, આતંકવાદ જેવા પડકારોનો સામનો કરવા માટે આપણે બધા સાથે સર્વસંમતિ બનાવવાની જરૂર છે.


થોડા દિવસો પહેલા પાકિસ્તાનના ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ તમામ આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરીને દેશમાંથી આતંકવાદના જોખમને ખતમ કરવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આતંકવાદને કચડી નાખવાની વાત કરી હતી.