Pakistan Crime: પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના સભ્યો પર થતા અત્યાચારની વધુ એક નવી ઘટના બની છે. એક રિપોર્ટ અનુસાર, સિંધ પ્રાંતમાં બે સગીર હિન્દુ છોકરીઓનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસે ઘટનામાં એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કર્યા બાદ બુધવારે છોકરીઓની માતાઓએ વિરોધ કર્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે આ ઘટના ગયા અઠવાડિયે સુક્કુર નજીક સાલાહ પાટ વિસ્તારમાં બની હતી જ્યારે તે તેના પરિવાર સાથે ઘરે પરત ફરી રહી હતી.


તેમણે કહ્યું હતું કે ત્રણ લોકો આવ્યા અને તેમની 17 અને 18 વર્ષની બે દીકરીઓને બળજબરીથી ઉપાડી ગયા હતા. જ્યારે તેમણે રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ તેમને ધક્કો માર્યો અને માર માર્યો હતો.  પુત્રીઓના અપહરણની ફરિયાદ નોંધાવવા તે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસે આ ઘટનામાં એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કરી દીધો હતો. લાચાર માતાએ બુધવારે વિરોધ કર્યો હતો.


મહિલાએ કહ્યું હતું કે મેં મારી દીકરીઓનું અપહરણ કરનારા માસ્ક પહેરેલા લોકોના નામ આપ્યા છે, પરંતુ પોલીસ કંઈ કરી રહી નથી. હું કોર્ટને અપીલ કરું છું કે આ મામલાની નોંધ લે અને મારી દીકરીઓને મને પાછી આપે.


થાર, ઉમરકોટ, મીરપુરખાસ, ઘોટકી અને ખૈરપુર પ્રદેશોમાં મોટી હિંદુ વસ્તી ધરાવતા સિંધ પ્રાંતના આંતરિક ભાગમાં યુવાન હિંદુ છોકરીઓનું અપહરણ અને બળજબરીથી ધર્માંતરણ એક મોટી સમસ્યા બની ગઈ છે અને મોટાભાગના હિંદુ સમુદાયના સભ્યો મજૂર છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સિંધ સરકારે આ મહિને સિંધ પ્રાંતના હૈદરાબાદ શહેરમાંથી 14 વર્ષની હિંદુ છોકરીના અપહરણના કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા.


ગયા મહિને એક મહિલા અને બે છોકરીઓનું અપહરણ થયું હતું


ગયા મહિને પણ એક હિંદુ મહિલા અને બે કિશોરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી બેને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવામાં આવ્યો હતો અને પછી મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કર્યા હતા.16 જુલાઈ, 2019 ના રોજ સિંધ પ્રાંતના વિવિધ જિલ્લાઓમાં હિંદુ છોકરીઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો પણ સિંધ એસેમ્બલીમાં ઉઠાવવામાં આવ્યો હતો જ્યાં એક ઠરાવ પર ચર્ચા કરવામાં આવી હતી અને પછી કેટલાક સાંસદોના વાંધાઓમાં સુધારો કરીને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ બળજબરીથી ધર્માંતરણને ગુનો જાહેર કરતું બિલ બાદમાં વિધાનસભામાં નામંજૂર કરવામાં આવ્યું હતું. સમાન બિલ ફરીથી પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું પરંતુ ગયા વર્ષે તેને નકારી કાઢવામાં આવ્યું હતું.