નવી દિલ્હીઃ પાકિસ્તાને એકવાર ફરી ભારતને સર્જિકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી હતી. પાકિસ્તાને કહ્યુ કે, ભારત જો પાકિસ્તાન પર એક પણ સર્જિકલ સ્ટ્રાઇક કરે છે તો અમે તેના બદલામાં 10 સર્જિકલ સ્ટ્રાઇક કરીશું.


પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લંડનમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. તે પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ મેજર જાવેદ બાજવા સાથે વિદેશ પ્રવાસ પર છે. પાકિસ્તાની રેડિયો સાથેની વાતચીતમાં ગફૂરે કહ્યું કે, જો ભારત પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હિંમત કરે છે તો તેના જવાબમાં તેને 10 સર્જિકલ સ્ટ્રાઇક હુમલાનો સામનો કરવો પડશે. ગફૂરે કહ્યું કે, જે લોકો અમારા વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવા અંગે વિચારે છે તેમને પાકિસ્તાનની ક્ષમતાઓ પર કોઇ શંકા રાખવી જોઇએ નહીં.

ગફૂરે કહ્યુ કે પાકિસ્તાન સૈન્ય 50 બિલિયન અમેરિકન ડોલરની ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની સંરક્ષક હતી અને આ મોટી યોજનાથી પાકિસ્તાની અર્થતંત્ર મજબૂત થશે. સૈન્ય પાકિસ્તાનમાં લોકતંત્રને મજબૂત બનાવવા માંગે છે અને તેની અસર જૂલાઇમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં જોવા મળી હતી. આ અત્યાર સુધીની સૌથી પારદર્શક ચૂંટણી રહી છે. ગફૂરે પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન મીડિયા પર પ્રતિબંધની વાતનો ઇનકાર કરી કહ્યું કે, દેશમાં અભિવ્યક્તિની પૂર્ણ સ્વતંત્રતા હતી. આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ અમારા સારા કામને સામે લાવવા જોઇએ.