ટોક્યોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમા જાપાનના પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન શિંન્જો આબે સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી બે દિવસના ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા છે. અગાઉ ભારતીય સમુદાયના લોકોએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મોદીએ કહ્યું કે, જાપાની વડાપ્રધાન સાથે તેમની બેઠક બંન્ને દેશોના મજબૂત સંબંધોમાં એક નવો અધ્યાય જોડશે. 2014 બાદ મોદીનો ત્રીજો જાપાન પ્રવાસ છે.
એક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં આબેએ કહ્યું કે, ભારત એક વૈશ્વિક શક્તિના રૂપમાં ક્ષેત્ર અને દુનિયાની સમૃદ્ધિના રસ્તા પર ચાલી રહ્યું છે. તેઓ સ્વતંત્ર અને ઓપન હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે ભારત સાથે દ્ધિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરવા ઇચ્છુક છે. જે દિવસે મુંબઇ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન દોડશે તે દિવસ ભારત-જાપાનની મિત્રતાનો ચમકતો સંકેત હશે.
આબેએ કહ્યું કે, મારુ માનવું છે કે જાપાન અને ભારતના સંબંધોમાં દુનિયાને ઘણુ આપવાની ક્ષમતા છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી જાપાનના બે દિવસના પ્રવાસ પર છે. આબેએ કહ્યુ કે ભારત અને જાપાન સુરક્ષા, રોકાણ, સૂચના ટેકનોલોજી, કૃષિ, સ્વાસ્થ્ય, પર્યાવરણ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારાશે.