#NoBra કેમ્પેઈનથી દુનિયા ભરમાં ચર્ચાનું કેન્દ્ર બનનારી ઈન્ટરનેશનલ પોપ સ્ટાર સુલીની પોતાના જ ઘરમાં મૃતદેહ મળી આવ્યો છે. પોપ સ્ટાર અને અભિનેત્રી સુલીનો મૃતદેહ સોમવારે સાઉથ કોરિયાના સોલમાં આવેલા તેના ઘરમાં મળી આવ્યો છે. સુલીના મૃતદેહ પાસેથી એક નોટ પણ મળી આવી છે. પરંતુ આ નોટમાં શું લખ્યું એ અંગે પોલીસે હજુ સુધી કોઈ પણ ખુલાસો કર્યો નથી.

અંદાજે 25 વર્ષની સુલી કેટલાંક સમયથી ડિપ્રેશનનો શિકાર બનેલી હતી. એવામાં એની હત્યા થઈ છે એવું કહીને સોશિયલ મીડિયામાં ટ્રોલિંગના મુદ્દા સાથે લોકો આ વાતને જોડી રહ્યા છે. સુલી દક્ષિણ કોરિયામાં ઘણા સમયથી #NoBra હેશટૈગની મુહિમ ચલાવી ચર્ચાનું કેન્દ્ર બની હતી.

મહિલા બ્રા વગર કપડાં પહેરીને સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ કરી રહી હતી. આની શરૂઆત અભિનેત્રી સુલીએ ઈન્સ્ટાગ્રામ પર વગર બ્રાએ તસવીર શેર કરીને કરી હતી અને ઘણી મહિલાઓએ આ વાતને લઈ સુલીનાં વખાણ પણ કર્યાં હતાં. પરંતુ બીજી તરફ સોશિયલ મીડિયામાં તેની ભારે ઠેકડી પણ ઉડી હતી અને લોકોએ ખરી ખોટી સંભળાવી દીધી હતી. જેનાં કારણે તે ડિપ્રેશનનો શિકાર બની હતી.

સિયોલ પોલીસના જણાવ્યા પ્રમાણે, પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. અત્યારે તેનાં મોત પર કોઈ અનુમાન લગાવી શકાય તેમ નથી. પોલીસે એ ચોક્કસ કહ્યું છે કે, સુલીના સીસીટીવી કેમેરામાં કોઈની અવર-જવર જોવા મળતી નથી.

સુલીના મેનેજરનું કહેવું છે કે, તે સવારથી જ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહતો. ત્યાર બાદ મેનેજર સુલીને મળવા તેના ઘરે પહોંચ્યો ત્યારે અંદર જઈને જોયું ત્યારે ખબર પડી કે તે તો મૃત અવસ્થામાં પડી હતી. ત્યાર બાદ મેનેજર પોલીસને જાણ કરી હતી.